બે યુવાનોએ અગમ્ય કારણે ગળે ફાંસો ખાઈ અનંતની વાટ પકડી
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજારમાં જી.આઈ.ડી.સી. રોડ પર પગપાળા જતાં સવિતાબેન વેલજી ભીલ નામના મહિલાને મોપેડે હડફેટમાં લેતાં આ મહિલાએ જીવ ખોયો હતો. બીજીબાજુ ચુડવામાં હરેશ રવા વાઘેલા (ઉ.વ. ૨૨) તથા અંજારમાં રાકેશકુમાર સંજીત મહંતો (ઉ.વ. ૨૫) નામના યુવાને ગળેફાંસો જીવ દીધો હતો. અંજારમાં નવાનગર-જાેગીવાસમાં રહેનાર મહિલા સવિતાબેનને ગઈકાલે સવારે જીવલેણ અકસ્માત નડયો હતો. ત્રણ સંતાનના માતા એવા આ મહિલા વેલસ્પન વિદ્યામંદિર શાળામાં સફાઈનું કામ કરતા હતા. ગઈકાલે સવારે તે પોતાના ઘરેથી નીકળી શાળા બાજુ જઈ રહ્યા હતા. દરમ્યાન એક્ટિવા નંબર જી.જે. ૧૨ સી-એસ-૬૬૦૪એ આ મહિલાને હડફેટમાં લેતાં તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, તેમને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે આ મહિલાને મૃત જાહેર કર્યા હતા. મોપેડચાલક વિરુદ્ધ મહિલાના પતિ ધરમશી વેલજી ભીલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજીબાજુ ચુડવામાં જે.એ.એસ. કંપનીની વસાહતમાં આપઘાતનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર હરેશ વાઘેલા નામના યુવાને અગમ્ય કારણે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું તેમજ અંજારના દબડાની શાળા નંબર ૬ની પાછળ રહેનાર રાકેશ કુમાર મહંતોએ પણ આપઘાત કર્યો હતો. આ યુવાન પોતાના રૂમ ઉપર હતો દરમ્યાન અગમ્ય કારણે ગળે ફાંસો ખાઈ અનંતની વાટ પકડી હતી. આ બંને બનાવમાં આપઘાત પાછળનું કારણ હજુ અકળ છે.