નિવૃત્ત સરકારી કર્મચારી સાથે ₹7.40 લાખની છેતરપિંડી
ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ઠગબાજોએ એક નિવૃત્ત સરકારી કર્મચારીને વીમા પોલિસી પર મોર્ગેજ લોન કરાવી આપવાની લાલચ આપીને કુલ ₹7,40,935ની રકમ પડાવી લીધાની ઘટના સામે આવી છે.
અંતરજાળમાં રહેતા ગુણવંત નાનજી પરમાર, જેઓ અગાઉ રેલવેમાં લોકો પાયલોટ તરીકે ફરજ બજાવતા હતા, તેમને ગત તા. 25/6/2023ના રોજ પ્રાચિ નામની મહિલાએ બિરલા ફાયનાન્સમાંથી બોલતી હોવાનું કહી વીમા પર મોર્ગેજ લોન કરાવી આપવાની ઓફર કરી હતી. ત્યારબાદ રોહન શુક્લા નામના શખ્સે આદિત્ય બિરલા ફાયનાન્સમાંથી હોવાનું કહી ફરિયાદીને લોન માટે સંમત કર્યા હતા. લોનની જરૂરિયાત હોવાથી ગુણવંત પરમારે આદિત્ય બિરલા સનલાઇફ ઇન્સ્યોરન્સની ₹2,51,000ની પોલિસી લીધી હતી.
ત્યારબાદ ઠગબાજે ફરિયાદીને તેમની પોલિસી ₹30 લાખની હોવાનું અને ₹50 લાખની લોન મંજૂર થઈ હોવાનું જણાવી વધુ પોલિસી લેવા દબાણ કર્યું હતું. આ રીતે, ફરિયાદી પાસેથી કોટક લાઇફ ઇન્શ્યોરન્સ, બજાજ એલિયાન્સ, શ્રીરામ લાઇફ ઇન્શ્યોરન્સ અને ઇન્ડિયા ફર્સ્ટ લાઇફની કુલ પાંચ પોલિસીઓ વિવિધ રકમની લેવડાવીને કુલ ₹7,40,935 પડાવી લીધા હતા.
આટલી મોટી રકમ પડાવ્યા પછી પણ લોન ન કરાવી આપતા અને વીમાના પૈસા પણ પરત ન આપતા, ફરિયાદીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રોહન શુક્લા, મનીષ અગ્રવાલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આદિપુરમાં ‘ઘરનું ઘર’ અપાવવાના નામે છેતરપિંડી
ગાંધીધામ ટુડે, ન્યૂઝ: આર્થિક રીતે નબળા લોકોને સરકારી યોજના હેઠળ ‘ઘરનું ઘર’ અપાવવાની લાલચ આપીને એક શખ્સે 15 પરિવારો પાસેથી કુલ ₹7,12,500ની છેતરપિંડી કર્યાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઈ છે.
રાજેશ મોહનલાલ મોતિયાણી નામના શખ્સ વિરુદ્ધ આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2023માં સરકાર દ્વારા ગરીબ પરિવારોને ઘર મળી રહે તે માટે ગાંધીધામ તાલુકામાં યોજના ચાલતી હતી. આનો લાભ લઈને આરોપી રાજેશે તાલુકા પંચાયત કચેરીઓમાં આવતા-જતા ગરીબ પરિવારોને પોતાની સરકારી કચેરીઓમાં લાગવગ હોવાનું કહી ઘર અપાવવાની ખાતરી આપી હતી.
આરોપીએ ફરિયાદી જિતેન્દ્ર પંચાલ સહિત કુલ 15 પરિવારો પાસેથી શરૂઆતમાં એકરારનામું કરાવી તલાટીના સહી-સિક્કાના બહાને વ્યક્તિદીઠ ₹7,500 લીધા હતા. ત્યારબાદ મામલતદાર કચેરીમાં કામ કરાવવાના બહાને વ્યક્તિદીઠ ₹15,000 પડાવ્યા હતા. વધુમાં, તેની પત્ની પિન્કીબેન રાજકારણી હોવાની અને મંત્રીઓ સાથે ઓળખાણ હોવાની વાત કરીને ફાઇલ ગાંધીનગર મોકલવાના નામે વ્યક્તિદીઠ વધુ ₹25,000 ઉઘરાવ્યા હતા.
આમ, આરોપીએ પ્રત્યેક પરિવાર પાસેથી કુલ ₹47,500 મેળવ્યા હતા, પરંતુ તેમને ઘર અપાવ્યું નહોતું કે તેમની રકમ પણ પરત કરી નહોતી. કુલ 15 પરિવારો પાસેથી ₹7,12,500ની રકમ પડાવીને છેતરપિંડી અને વિશ્વાસઘાત આચર્યો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.