ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દેશભરના સાંસદોની સેલેરીમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સંસદ સભ્ય પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ-૧૯૫૪ હેઠળ વેતન અને ભથ્થામાં સંશોધન કર્યા બાદ વધારો કર્યો છે. સરકારના નોટિફિકેશન મુજબ નવો પગાર વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે. સાંસદોના પગાર વધારવા પાછળ સરકારે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે, જેને ધ્યાને રાખી આ ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે બહાર પાડેલ જાહેરનામા મુજબ, સાંસદોના પગાર, દૈનિક ભથ્થું અને પેન્શનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સાંસદોને પહેલા મહિને રૂપિયા ૧,૦૦,૦૦૦ પગાર મળતો હતો, જે વધારીને ૧.૨૪ લાખ કરવામાં આવ્યો છે. જ્યારે દૈનિક ભથ્થું રૂપિયા ૨૦૦૦થી વધારી ૨૫૦૦ કરવામાં આવ્યું છે. આ સાથે પૂર્વ સાંસદોના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પૂર્વ સાંસદોનું માસિક પેન્શન ૨૫૦૦૦થી વધારીને ૩૧૦૦૦ કરવામાં આવ્યું છે. જ્યારે વધારાનું પેન્શન (૫ વર્ષથી વધુ સેવા માટે) રૂ.૨૦૦૦થી વધારીને ૨૫૦૦ કરવામાં આવ્યું છે.


Add a comment