ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અને અનિલ અંબાણીના માતા, કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક લથડતા તેમને તાત્કાલિક મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 91 વર્ષીય કોકિલાબેનને થોડી નબળાઈ અનુભવાતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ, ડોક્ટરોની એક ટીમ તેમની દેખરેખ રાખી રહી છે.
પરિવારના સભ્યો હોસ્પિટલમાં હાજર
કોકિલાબેનની તબિયત ના સમાચાર મળતા જ અંબાણી પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાના પુત્ર અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોકિલાબેન છેલ્લા ઘણા વર્ષોથી તેમના મોટા પુત્ર મુકેશ અંબાણી અને તેમના પરિવાર સાથે મુંબઈના એન્ટિલિયામાં રહે છે.
કોકિલાબેન અંબાણી: પરિવારના આધારસ્તંભ
કોકિલાબેન અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીના ધર્મપત્ની છે અને પરિવારના વરિષ્ઠ સભ્ય તરીકે તેમનું માન મોટું છે. ધીરુભાઈના અવસાન બાદ જ્યારે ભાઈઓ વચ્ચે વ્યાપારના વિભાજનને લઈને મતભેદ ઊભા થયા હતા, ત્યારે તેમણે જ આગળ આવીને આ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવ્યો હતો. તેમની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 1.57 કરોડથી વધુ શેર છે, જેની કિંમત લગભગ 18,000 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.
કોકિલાબેન તેમની સાદગીભરી જીવનશૈલી માટે પણ જાણીતા છે. તેઓ શાકાહારી છે અને તેમને ગુજરાતી ભોજન ખૂબ પ્રિય છે. તેઓ શ્રીનાથજીના પરમ ભક્ત છે અને ઘણીવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા હોય છે. તેમનો પ્રિય રંગ ગુલાબી છે, અને તેઓ અવારનવાર ગુલાબી સાડીમાં જોવા મળે છે.