ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામમાં મહાનગરપાલિકા દ્વારા આજે મોટા પાયે અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના નાયબ કમિશનર સંજય રામાનુજના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હીરાલાલ પારેખ સર્કલથી લઈને સુંદરપુરી પાણીના ટાંકા ચાર રસ્તા સુધી બુલડોઝર ફેરવી અતિક્રમણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્રએ માર્કિંગ કરેલા કાચા અને પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ જ્યાં દબાણો યથાવત છે, ત્યાં પણ આગામી સમયમાં અતિક્રમણ વિરોધી કાર્યવાહી ચાલુ રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા આદિપુરમાં ઓમ મંદિરથી લઈને ઘોડા ચોકી સુધી ના દબાણો હટાવ્યા પછી અન્ય જગ્યા ઉપર નોટિસો આપી હતી અને પછી વિશ્રામ લીધો હતો હવે તંત્ર ફરીથી સક્રિય થયું છે, હીરાલાલ પારેખ સર્કલથી લઈને સુંદરપુરી ત્યાંથી અપનાનગર ત્યાર પછી છેક, કલેકટર રોડ અને હાઇવે સુધી દબાણો કરીને માર્ગો સાવ સાકડા કરનાર દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી છે. તો મુખ્ય બજાર અને દુકાનો ઊભી કરીને આર્કેડ દબાવનારાઓને પણ નોટિસો આપવામાં આવી છે, ત્યાર પછી તંત્ર વિશ્રામ કરી રહ્યું હતું પણ હવે ફરીથી એકાએક સક્રિય થઈ રહ્યું છે.
મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવા આયોજન ઘડાયું
અગાઉ તો દેશના રાષ્ટ્રપતિ કચ્છમાં હતા એટલે દબાણ ઉપર કાર્યવાહી સંભવ થઈ નથી, પરંતુ હવે તંત્ર કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. વહીવટી તંત્ર જે જે વિસ્તારોમાં નોટિસો આપી છે તે તમામ જગ્યાઓ ઉપરથી દબાણો દૂર કરવા માટેનું આયોજન ઘડાયું છે. મુખ્ય બજાર તથા આરકેડ અને હવે મુખ્ય બજારની પાછળના જે માર્ગો છે કે ત્યાં વાહન પાર્કિંગની વ્યવસ્થાઓ ઉભી કરવાની છે ત્યાં થયેલા દબાણ ઉપર પણ તંત્ર કાર્યવાહી કરવાનું છે તેમ સૂત્રોએ કહ્યું હતું.

આદિપુર ૪-બી વિસ્તારમાં દબાણો હટાવવા માંગ
આદિપુરમાં સાધુ વાસવાણી નગર, ૪ બી, વીંગ ગાર્ડનથી રેલવે ટ્રેક તરફ તથા ગાર્ડનથી સિંધુ વર્ષા તરફ બંને બાજુ થયેલ ગેરકાયદેસર દબાણથી રોડ પર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે.અને મકાનો, દુકાનોના વપરાશનુ પાણી રોડ પર આવવાથી રોડ પર ખાડાને મોટુ નુકસાન થાય છે.જેના કારણે અકસ્માતના બનાવો પણ બન્યા છે. સર્વે કરવામા આવે તો લાઈટના થાંભલા પણ દબાણ કરી અંદર લઈ લેવામા આવ્યા છે. ગટરની લાઈન પર દિવાલો ઉભી કરવામા આવી છે.જેના કારણે વરસાદી પાણી અવરોધાય છે. તાત્કાલિક આ દબાણ દૂર થાય એવી ૪ બી રહેવાસીઓ માંગ કરી રહ્યા છે.

ટાગોર રોડ ઉપર કાર્યવાહીની રાહ
માર્ગ અને મકાન વિભાગ હેઠળના ગાંધીધામ આદિપુર ને જાેડતા ટાગોર રોડ ઉપર વ્યાપક દબાણો છે તેને નોટિસો આપવામાં આવી છે તેના પણ ઘણા દિવસો વીતી ગયા છે હજુ સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના પગલે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે અને અકસ્માતનું જાેખમ પણ વધ્યું છે તેવામાં આ રોડ ઉપર અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહીની રાહ જાેવાઇ રહી છે.