- ૫૧ સ્થળોએ બોર બનાવી વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારાશે, નવા નાળા પણ બનશે
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આદિપુરમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિ સર્જાય છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વોટર હાર્વેસ્ટિંગ સહિત બહુઆયામી યોજના તૈયાર કરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના ૫૧ જેટલા સ્થળોએ સર્વેક્ષણ કરી બોર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બોર દ્વારા વરસાદી પાણીને સીધું જ ભૂગર્ભમાં ઉતારીને ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવવાનો પ્રયાસ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ-આદિપુરમાં વરસાદની શરૂઆત થતાં જ શેરીઓમાં નદીની જેમ પાણી વહેવા લાગે છે. જેના કારણે નોકરિયાતો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમસ્યા માટે એસઆરસી સમયના વરસાદી નાળાઓ પર થયેલા દબાણો અને નવા બનેલા અપૂરતા નાળાઓ તેમજ તેમની યોગ્ય સફાઈના અભાવને જવાબદાર ગણવામાં આવે છે.
ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ બજેટમાં વરસાદી પાણીના નિકાલ અને જળ ભરાવને નિયંત્રિત કરવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. તાજેતરમાં મનપા કચેરી ખાતે કમિશનર મિતેશભાઈ પંડ્યા, નાયબ કમિશનર મેહુલ દેસાઈ, સંજય રામાનુજ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને પૂર્વ પાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ સાથે અમદાવાદ અને મનપાના સંબંધિત વિભાગોની ટીમોએ એક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. આ સર્વેક્ષણમાં નવા વરસાદી નાળા બનાવવા અને જૂના નાળાઓને સાફ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેનો સમાવેશ મનપાના પ્રથમ બજેટમાં કરાયો છે.
શહેરના સંકુલોમાં મોટી સંખ્યામાં કાર્યરત મોટરો સતત ભૂગર્ભ જળ ખેંચી રહી છે, ત્યારે વરસાદી પાણીના નિકાલ અને ભૂગર્ભ જળના રિચાર્જની સમસ્યાને એકસાથે ઉકેલવા માટે મનપા દ્વારા ૫૧ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. આ સ્થળોએ બોર બનાવીને વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવામાં આવશે. આ અંગે એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું.