ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજારના ભીમાસર ગામ પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ વધુ તેજ બનાવ્યો છે. આજે પોલીસે ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓમાંથી ચાર આરોપીઓને ઘટનાસ્થળે લાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન (ક્રાઈમ સીન રિક્રિએશન) કર્યું હતું. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ કેસને વધુ મજબૂત બનાવી આરોપીઓને કાયદેસરની સજા અપાવવાનો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ગત તા. ૧૫ સપ્ટેમ્બરના રોજ ભીમાસર ગામ પાસે ૩૨ વર્ષીય યુવક અરુણકુમાર દેવ શાહુની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે મૃતકની પત્ની રેખાબેને તેના પ્રેમી હારાધન ગરાઈ સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હારાધને આનંદ બારોટને આ કામની સોપારી આપી હતી અને આનંદે તેના મિત્રો ગોપાલ અને દિલીપ સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો.
આજે અંજાર પોલીસે આરોપીઓ આનંદ બારોટ, ગોપાલ બારોટ, દિલીપ ભટ્ટી અને હારાધન ગરાઈને પંચોની હાજરીમાં ઘટનાસ્થળે લઈ આવી હતી. પોલીસની સૂચના મુજબ, આરોપીઓએ ક્યાં અને કેવી રીતે હત્યાને અંજામ આપ્યો, કયા હથિયારનો ઉપયોગ કર્યો અને લાશને ક્યાં મૂકી તે તમામ દ્રશ્યો ફરીથી ભજવી બતાવ્યા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રિકન્સ્ટ્રક્શન દરમિયાન મળેલા પુરાવાઓ, આરોપીઓના નિવેદનો અને ફોરેન્સિક પુરાવાઓ એકબીજા સાથે સુસંગત છે. આ કાર્યવાહીથી પોલીસને કેસની સઘન તપાસમાં મદદ મળી છે અને કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કરી શકાશે. હાલમાં તમામ પાંચ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે.