ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા તરીકેની શરૂઆત સાથે જ શહેર સામે અનેક પડકારો ઊભા થયા છે. નગરપાલિકાનું લગભગ ₹55 કરોડનું લેણું, સાધનો અને માનવબળની અછત વચ્ચે પણ નવનિયુક્ત કમિશનર મનિષ ગુરવાણીએ સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

કમિશનરે પદભાર સંભાળતા જ તમામ વિભાગોની મુલાકાત લીધી અને કર્મચારીઓની હાજરી અંગે ટકોર કરી. તેમણે જણાવ્યું કે – “સીમિત સંસાધનો હોવા છતાં જમીન પર રહીને કામગીરી કરીશું. અધિકારીઓ અને કર્મચારીઓએ ફિલ્ડમાં રહીને કામ સાથે મોનિટરિંગ કરવું પડશે. થોડા જ સમયમાં બદલાવ નજર આવશે.”
ડીપીટી ચેરમેન સાથે બેઠક
This Article Includes
પદભાર સંભાળ્યા બાદ કમિશનર ગુરવાનીએ દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલકુમાર સિંઘ સાથે મુલાકાત કરી હતી. મ.ન.પા. પાસે કચેરી તેમજ વિકાસ પ્રકલ્પો માટે જમીન ઉપલબ્ધ નથી, જેના ઉકેલ માટે ચર્ચા થઈ. આગામી સમયમાં કોર્પોરેશનના અધિકારીઓ આ મુદ્દે ડીપીટી સમક્ષ વિગતવાર રજૂઆત કરશે.
દબાણોના મામલે કડક વલણ
ગાંધીધામ-આદિપુર વિસ્તારોમાં દબાણોની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. અગાઉ તંત્ર દ્વારા કેટલાક વિસ્તારોમાંથી દબાણો દૂર કરાયા હતા, પરંતુ હજુ પણ 500થી વધુ કેસ લંબિત છે. કમિશનર ગુરવાનીએ સ્પષ્ટ કર્યું કે – “દબાણના મામલે કોઈ બાંધછોડ નહીં કરાય. શહેરની સુખાકારી માટે જરૂરી હોય ત્યાં અતિક્રમણ દૂર કરવામાં આવશે.”
લોકોની અપેક્ષાઓ પૂરી કરવા પ્રતિબદ્ધતા
કમિશનરે તમામ વિભાગોને આયોજનબદ્ધ કામગીરી કરવા સુચના આપી છે અને લોકોની ફરિયાદોને પ્રાથમિકતા આપીને ઉકેલવાના નિર્દેશ આપ્યા છે. આગામી સમયમાં શહેરને માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવાનો દ્રઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.