ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યભરમાં બોક્સ ક્રિકેટના વધતા ક્રેઝ વચ્ચે, તાજેતરમાં સુરતમાં બનેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બોક્સ ક્રિકેટ માટે નવી પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટમાં સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને લાઇસન્સિંગ સહિતના મહત્ત્વના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. હાલમાં આ ડ્રાફ્ટ પર વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા છે, ત્યારબાદ તેને સ્ટેન્ડિંગ કમિટી અને રાજ્ય સરકારની મંજૂરી બાદ લાગુ કરવામાં આવશે.
વન-ટાઇમ લાઇસન્સ ફી અને નિયમો
This Article Includes
AMC દ્વારા બોક્સ ક્રિકેટ, પિકલ બોલ અને તે પ્રકારની નેટ-કવર્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ માટે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરાઈ છે. આ મુજબ સંચાલકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજિસ્ટર્ડ એન્જિનિયર અથવા ક્લાર્ક ઑફ વર્કર્સ તેમજ સ્ટ્રક્ચરલ એન્જિનિયરની નિમણૂક કરવી પડશે. આ ઉપરાંત પોલીસ અને ફાયર NOC, પ્રોપર્ટી કોમર્શિયલ ઉપયોગ માટે બિનખેતી પરવાનગી સહિતના વિવિધ પુરાવા અને મંજૂરીઓ મેળવવી ફરજિયાત રહેશે.
લાઇસન્સ મેળવવા માટે સંચાલકોએ ઓનલાઈન અરજી કરવી પડશે અને વન-ટાઇમ લાઇસન્સ ફી ભરવી પડશે:
- પૂર્વ મંજૂરી મેળવી હાલ ચાલુ હોય અને SOP પ્રસિદ્ધ થયાના 30 દિવસમાં અરજી કરનાર માટે: પ્રતિ ચોરસ ફૂટ ₹100.
- પૂર્વ મંજૂરી વિના ચાલતા બોક્સ ક્રિકેટ માટે: પ્રતિ ચોરસ ફૂટ ₹200.
નોંધનીય છે કે આ લાઇસન્સ ફીમાં દર વર્ષે 5% નો વધારો થશે.
ટ્રાફિક અને સુરક્ષાની જવાબદારી સંચાલકો પર
ડ્રાફ્ટ પોલિસી અનુસાર, સંચાલકોએ પૂરતી પાર્કિંગ વ્યવસ્થા રાખવી પડશે. પ્લોટની 50 મીટર આજુબાજુ ટ્રાફિકનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે સિક્યોરિટી ગાર્ડ સહિતની વ્યવસ્થા પણ સંચાલક દ્વારા કરવાની રહેશે. આજુબાજુના રહીશો, રાહદારીઓ અને જાહેર ટ્રાફિકને કોઈ અડચણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. જાહેર સુરક્ષા અને સલામતીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરને ગમે ત્યારે બોક્સ ક્રિકેટનો પરવાનો રદ કરવાની સત્તા રહેશે.
બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ માટે બાંધકામના નિયમો
- રોડની પહોળાઈ: 12 મીટર કે તેથી વધુ પહોળાઈના રસ્તા પર પરવાનગી મળવાપાત્ર રહેશે.
- પ્લોટનું ક્ષેત્રફળ: 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળવાળા પ્લોટમાં પરવાનગી મળવાપાત્ર રહેશે.
- મહત્તમ ઊંચાઈ: પિકલ બોલ/ક્રિકેટ બોક્સ તેમજ તે પ્રકારના નેટ-કવર્ડ સ્ટ્રક્ચરની મહત્તમ ઊંચાઈ 12 મીટર સુધીની રહેશે.
- માર્જિન: રોડ સાઇડ માર્જિન ઓછામાં ઓછું 6 મીટર અને સાઇડ માર્જિન ઓછામાં ઓછું 3.00 મીટર રાખવાનું રહેશે.
- બાંધકામ પ્રતિબંધ: સરકારી, અર્ધસરકારી કે ટી.પી. રોડ રસ્તા પૈકીની જગ્યામાં કોઈપણ પ્રકારનું બાંધકામ કે ઉપયોગ સૂચવી શકાશે નહીં.
- ખુલ્લી જગ્યા: નેટ કવર્ડ એરિયા, સ્ટોર, સેનિટરી પ્રોવિઝન અને અન્ય કોઈપણ પ્રકારના સ્ટ્રક્ચરની ફરતે યોગ્ય રીતે ખુલ્લી જગ્યા રાખવી પડશે.
- પાર્કિંગ: કુલ પ્લોટ એરિયાના ઓછામાં ઓછા 50% વિસ્તારમાં પાર્કિંગ રાખવું પડશે.
- બેરિકેડ્સ: પ્લોટની હદ ઉપર ઓછામાં ઓછા 3 મીટર ઊંચાઈના યોગ્ય મજબૂતાઈ ધરાવતા બેરિકેડ્સ (પતરાં) લગાવવા ફરજિયાત રહેશે.
- શૌચાલય: પ્રતિ 100 ચોરસ મીટર દીઠ મહિલા અને પુરુષ માટે અલગ ટોઇલેટ/વોટર ક્લોસેટ તથા યુરિનલનું પ્રોવિઝન કરવાનું રહેશે.
- પ્રવેશ/નિકાસ: નેટથી કવર્ડ કરેલા એરિયામાં સરળતાથી અવરજવર થઈ શકે તે માટે નેટ કવર્ડ સ્ટ્રક્ચરની દરેક બાજુએ 2.20 મીટર (ઊંચાઈ) x 1.20 મીટર (પહોળાઈ)ની ઓછામાં ઓછી એક એન્ટ્રી તથા એક એક્ઝિટ સ્પેસ રાખવી પડશે.
- સ્ટોર/સ્ટોલ: વપરાશકર્તાઓ માટેનો જ ટેમ્પરરી સ્ટ્રક્ચરનો મહત્તમ L x B = 3.0 મીટર x 3.0 મીટરનો સ્ટોર/સ્ટોલ મળવાપાત્ર રહેશે.
- સાઈનેજીસ: જરૂરી તમામ સાઈનેજીસ (જેમ કે એન્ટ્રી, એક્ઝિટ, વોશરૂમ, ફાયર ઇક્વિપમેન્ટ, પાર્કિંગ વગેરે) રાખવાના રહેશે.
- કાયમી બાંધકામ: કોઈપણ કાયમી/પાકા સ્ટ્રક્ચરનું બાંધકામ મળવાપાત્ર રહેશે નહીં.
- CCTV કેમેરા: એન્ટ્રી/એક્ઝિટ સાથે સમગ્ર પ્રિમાઇસીસને આવરી લે તે રીતે જરૂરી હોય તે મુજબ/પોલીસ વિભાગ સૂચવે તે મુજબના હાઈ રિઝોલ્યુશન સી.સી.ટી.વી. કેમેરા ઇન્સ્ટોલ કરવાના રહેશે.
- કંટ્રોલ રૂમ: કંટ્રોલ રૂમ કમ ઓફિસ મહત્તમ L x B = 3.00 મીટર x 3.00 મીટરની સાઈઝની મંજૂરીપાત્ર રહેશે.
આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય બોક્સ ક્રિકેટ જેવી પ્રવૃત્તિઓને વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવાનો છે, જેથી ખેલાડીઓ અને આસપાસના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
રાજ્યભરમાં બોક્સ ક્રિકેટના નિયમો લાગુ પડશે?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બોક્સ ક્રિકેટ માટે નવી ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરવામાં આવ્યા બાદ હવે રાજ્યના અન્ય શહેરોમાં પણ આવા નિયમો લાગુ પડશે કે કેમ તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. ખાસ કરીને સુરતમાં બનેલી દુર્ઘટના બાદ સલામતીના મુદ્દે ઉભી થયેલી ચિંતાને પગલે, રાજ્ય સરકાર આ દિશામાં વ્યાપક નીતિ અપનાવી શકે છે.
અમદાવાદમાં તૈયાર થયેલી પોલિસીનો ડ્રાફ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. જો રાજ્ય સરકાર આ પોલિસીને મંજૂરી આપશે, તો શક્યતા છે કે આ નિયમો માત્ર અમદાવાદ પૂરતા મર્યાદિત ન રહેતા, રાજ્યભરમાં બોક્સ ક્રિકેટ અને સમાન નેટ-કવર્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ માટે લાગુ પડી શકે છે.
ગાંધીધામ-આદિપુરમાં પણ બોક્સ ક્રિકેટનો વધતો ક્રેઝ
રાજ્યના વિવિધ શહેરો અને નગરોમાં બોક્સ ક્રિકેટનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે અને ગાંધીધામ-આદિપુર જેવા વિસ્તારો પણ તેમાં અપવાદ નથી. અહીં પણ યુવાનો અને રમતપ્રેમીઓ માટે બોક્સ ક્રિકેટ એક લોકપ્રિય પ્રવૃત્તિ બની ગઈ છે.
સુરતમાં થયેલી દુર્ઘટના અને અમદાવાદમાં પોલિસી નિર્માણના પ્રયાસો દર્શાવે છે કે આ પ્રવૃત્તિને નિયમબદ્ધ કરવી અનિવાર્ય છે. રાજ્ય સરકાર દ્વારા જો અમદાવાદ મોડેલ અપનાવવામાં આવે તો ગાંધીધામ-આદિપુર સહિતના વિસ્તારોમાં પણ બોક્સ ક્રિકેટ સંચાલકોએ લાઇસન્સ મેળવવા, સલામતીના ધોરણોનું પાલન કરવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા જેવા નિયમોનું પાલન કરવું પડશે. આનાથી ખેલાડીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે અને શહેરી વ્યવસ્થા જળવાઈ રહેશે.
આ અંગે રાજ્ય સરકારનો અંતિમ નિર્ણય શું આવે છે તે જોવું રહ્યું.