ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ, ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ, ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ગાંધીધામમાં 6 નવા ટ્રાફિક પોલીસ બૂથ શરૂ કરવામાં આવ્યા છે.
આ બૂથ હોત ચંદાણી સર્કલ, ગુડસાઈડ પુલ, ક્રોમા ચાર રસ્તા, ઓમ સિનેમા સર્કલ અને એરપોર્ટ ચાર રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે.

આ ટ્રાફિક પોલીસ બૂથ માઈક સિસ્ટમ અને એલ.ઈ.ડી. ડિસ્પ્લે સિસ્ટમથી સજ્જ છે, જે ટ્રાફિક નિયમનમાં અને ટ્રાફિકના નિયમો વિશે જાગૃતિ લાવવામાં મદદ કરશે.

આ બૂથ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે ટ્રાફિક પોલીસના જવાનો તડકા, વરસાદ અને પ્રદૂષણથી બચી શકે અને બૂથની અંદર ઊભા રહીને સરળતાથી ટ્રાફિકનું નિયમન કરી શકે, સાથે જ તેઓ પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવી શકે.

આ ટ્રાફિક પોલીસ બૂથનું ઉદ્ઘાટન પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.વી. રાજગોર, સિટી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.આર. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.જે. પ્રજાપતિ અને સિટી ટ્રાફિક શાખાના કર્મચારીઓ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.