- 7 કારમાંથી કાળી ફિલ્મ દૂર, ₹6,300 દંડ વસૂલાયો
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુર પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ નાઈટ ટ્રાફિક પેટ્રોલિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. મુંદ્રા સર્કલ, આદિપુર નજીક આયોજિત આ ચેકિંગ અભિયાન દરમિયાન પોલીસે કુલ 207 ટ્રાફિક ભંગના કિસ્સાઓ નોંધ્યા હતા, જેમાંથી 13 એન.સી. કેસ હતા. પોલીસે રૂ. 6,300નો સ્થળ દંડ વસૂલ્યો હતો.

ડ્રાઈવ દરમિયાન કાળા કાચવાળી કારો પર ખાસ ધ્યાન આપ્યું હતું. તપાસ દરમિયાન 7 કારોમાંથી કાળી ફિલ્મ દૂર કરવામાં આવી. ઉપરાંત, વાહન ચાલકોના દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી અને જરૂરી તેવા મેમો પણ આપવામાં આવ્યા હતા.

આ ડ્રાઈવ 22 એપ્રિલની રાત્રે યોજાઈ હતી, જેમાં પોલીસએ સમયસૂચકતા અને સુરક્ષા બંનેને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આ માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેના પગલે પોલીસ દ્વારા નાઈટ ડ્રાઈવની કાર્યવાહી વધુ ચુસ્ત બનાવી દેવામાં આવી છે.

સાથે સાથે, મોડી રાત્રે અમુક યુવાન લકઝરી કાર લઈને બહાર નીકળે છે અને અતિઉત્સાહમાં જોખમી રીતે વાહન ચલાવે છે. આવા યુવાનો પોતાની સાથે સાથે અન્ય લોકોને પણ જોખમમાં મુકે છે. આવી બેદરકારી રોકવા માટે પોલીસે આવા ડ્રાઈવો આવનારા સમયમાં પણ ચાલુ રાખવાની સંભાવના દર્શાવી છે.