ગાંધીધામ ટુડે, ન્યૂઝ : તાજેતરમાં ગાંધીધામ ચેમ્બરની વુમેન્સ વિંગ અને પૂજા નારી શક્તિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘દિલની વાતો’ શીર્ષક હેઠળ એક પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સ્વપ્નિલ શાહ અને જાણીતા લેખક જય વસાવડાએ હાજર રહી શહેરના નાગરિકોને માનસિક શાંતિ, હળવાશ અને હૃદયના આરોગ્ય વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારમાં, ચેમ્બરના પ્રમુખ મહેશ પુજાએ સ્વાગત પ્રવચન આપ્યું. તેમણે માનસિક આરોગ્ય અને આનંદમય જીવનની અગત્યતા પર ભાર મૂક્યો.
હૃદય રોગ અને સ્ટ્રેસનું સંચાલન
This Article Includes
ડૉ. સ્વપ્નિલ શાહે સરળ ભાષામાં સમજાવ્યું કે હાર્ટ એટેક આવે ત્યારે ગભરાવાને બદલે સકારાત્મક પગલાં લેવા જરૂરી છે. તેમણે જણાવ્યું કે, હાર્ટ એટેકના 100માંથી 80% દર્દીઓને બાયપાસ કે સ્ટેન્ટની જરૂર રહેતી નથી, પરંતુ સમયસર યોગ્ય દવાઓ, નિયમિત ચેકઅપ અને જીવનશૈલીમાં ફેરફાર કરીને મોટી મુશ્કેલી ટાળી શકાય છે. ડૉ. શાહે સ્ટ્રેસને ‘શત્રુ’ નહીં, પરંતુ શરીરના ‘સંકેત’ તરીકે ગણવા અને પોતાના હૃદય સાથે ‘મિત્રતા’ રાખવાની સલાહ આપી.
પ્રસિદ્ધ લેખક જય વસાવડાએ નાની નાની બાબતોમાં ખુશી શોધવાની કળા સમજાવી અને તણાવને હાસ્ય તથા સમજણથી કેવી રીતે દૂર કરી શકાય તે વિશે વાત કરી.
જીવનશૈલી અને યુવા પેઢી પર ભાર
ચેમ્બર વુમેન્સ વિંગના કન્વીનર રાખી હાટાએ આધુનિક જીવનશૈલીના કારણે વધતા તણાવ અને તેના ઉકેલો પર પ્રકાશ પાડ્યો. તેમણે યુવા પેઢીને શારીરિક અને માનસિક આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવાની અપીલ કરી.
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પોતાના સંદેશમાં કહ્યું કે, આપણે ખુશ રહેવા માટે મોટા પ્રસંગોની રાહ જોતા રહીએ છીએ, જ્યારે ખરો આનંદ રોજિંદી નાની નાની બાબતોમાં જ છુપાયેલો છે. આવા કાર્યક્રમો લોકોમાં માત્ર જાગૃતિ જ નહીં, પરંતુ આશાવાદી દ્રષ્ટિકોણ પણ જગાડે છે.
કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ વુમેન્સ વિંગના કો-કન્વીનર મમતા આહુજાએ કરી. આ સેમિનારને સફળ બનાવવા માટે પૂજા નારી શક્તિ ફાઉન્ડેશનના પૂજા પારીયાણી અને તેમની ટીમે પણ સક્રિય પ્રયાસો કર્યા હતા. આ પ્રસંગે ખજાનચી નરેન્દ્ર રામાણી, તેજસ શેઠ, અનિમેષ મોદી, પંકજ મોરબીયા, રાખી નાહટા, ડૉ. સુરભી આહીર, વૈભવી ગોર, એ.કે. સિંઘ, વિજય પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.