ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ – દેશનો સહુથી મોટો જિલ્લો, જ્યાંથી દર વર્ષે કરોડો ટન માલસામાન, દેશના આંતરિક અને આંતરરાષ્ટ્રીય બજારો તરફ રવાના થાય છે. દીનદયાળ (કંડલા) અને મુન્દ્રા જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના બંદરો, અને એશિયાનો સહુથી મોટો ટિંબર ઝોન ધરાવતો પ્રદેશ કચ્છ હવે, તૂટી પડેલા હાઇવેના કારણે ટ્રાન્સપોર્ટ તેમજ લોજિસ્ટિક ઉદ્યોગ માટે શિરદર્દનો વિષય બની રહ્યો છે.
વિવિધ ટ્રાન્સપોર્ટ, તથા લોજિસ્ટિક ઓપરેટર્સ એસોસિએશન જેવા કે, ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ગાંધીધામ સ્થાનિક 25 ઓનર્સ એસોસિએશન, કંડલા લિક્વિડ ટેન્ક ટર્મિનલ એસોસિએશન, કંડલા/મુંદ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ્સ વેલ્ફેર એસોસિએશન, ન્યૂ જીજીટીએ વેલ્ફેર ફાઉન્ડેશન, કંડલા ટેન્કર ઓનર્સ એસોસિએશન, ટેન્કર ઓનર્સ એન્ડ ઓપરેશન્સ એસોસિએશનના અગ્રણીઓ પૈકી કુમાર રામચંદાણી, પ્રકાશ ઠક્કર, હર્ષદ પ્રજાપતિ, ઈંદ્રજીતસિંહ જાડેજા, રમેશ યાદવ, શામજીભાઇ આહીર, રાજેશ છાંગા, રાજેશ મઢવી, મહેન્દ્ર શર્મા, રમેશ જે. આહીર, શિવજીભાઈ આહીર, મનીષ બંસલ સહિતનાએ જણાવ્યું હતું કે, “સકારાત્મક કામગીરી ન આવે ત્યાં સુધી ‘નો રોડ – નો ટોલ’ અમારો નારો રહેશે. અમે તમામ પ્રયાસો અજમાવી જોયા છે. હવે પરિવહન સંચાલન ને કારણે આર્થિક ગતિવિધિ અને દેશ, રાજ્ય કે જિલ્લાના વિકાસમાં વિક્ષેપ ન આવે તેવા દષ્ટિકોણથી પણ તંત્રે સમયસીમા નક્કી કરવી જ પડશે” તેમ સંયુક્ત રીતે નિવેદન દ્વારા જણાવેલ.
રસ્તાની દુર્દશા સામે ટ્રાન્સપોર્ટ અગ્રણીઓ એ કચ્છના એક્ઝિમ ટ્રેડ પર ગંભીર અસરની ચિંતા વ્યક્ત કરતાં ઉમેરેલ કે, કચ્છથી દેશમાં થતો લગભગ ૪૦% એક્ઝિમ ટ્રેડ અત્યારે માર્ગોની બિસમાર સ્થિતિને કારણે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે અમો વિવિધ ટ્રાન્સપોર્ટરો એ ચેમ્બરને આપેલ રજૂઆતોમાં સ્પષ્ટ કર્ય છે કે, રસ્તાઓની ખરાબ હાલતના કારણે માલના પરિવહનમાં વિલંબ, ઇંધણ ખર્ચમાં વધારો અને વાહન નુકસાની જેવી સમસ્યાઓ દિવસેને દિવસે વધતી જાય છે. કચ્છના મુખ્ય પોર્ટ્સ સુધી ના તમામ રાષ્ટ્રીય અને રાજ્યમાર્ગોની હાલત વ્યવસાય માટે એક મોટો અવરોધ બની રહેલ છે. ટ્રાન્સપોર્ટરઓએ ચિંતા વ્યક્ત કરી છે કે જો તાત્કાલિક ધોરણે સુધારા ન લાવાય, તો દેશના મોટા એક્ઝિમ નેટવર્કને અસર થઈ શકે છે, જેની સીધી અસર સ્થાનિક અર્થતંત્ર અને રોજગાર પર પણ પડશે તેમ જણાવેલ.
બેઠકનું સંચાલન કરતાં કારોબારી સભ્ય અને, ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ના પ્રતિનિધિ હરીશ માહેશ્વરી એ ભારપૂર્વક જણાવ્યું હતુ કે, તાજેતરની તાકીદની બેઠકમાં વિવિધ પરિવહન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનો જોડાયા હતા અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તમામ સંગઠનોએ સર્વસંમતિથી નિર્ણય કર્યો છે કે, જો આગામી ૧૫ દિવસમાં રિસરફેસિંગ અને સમારકામના કામની તાત્કાલિક શરૂઆત નહિ થાય, તો ૨૫ એપ્રિલથી રાજ્યભરના મુખ્ય ધોરીમાર્ગો પર, “નો રોડ – નો ટોલ” નું શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરાશે.
આજે જયારે ‘દરેક 25 દરેક દિવસે હજારો રૂપિયાનો ટોલ ભરે છે, છતાં રસ્તા એટલા ખરાબ છે કે, વાહનોને નુકશાન થઈ રહ્યું છે અને માનવજીવન જોખમમાં મુકાયું છે, સાથે સમય નો વ્યય અને મહામુલા ઈંધશનો પણ બગાડ થઈ રહ્યો છે. હવે સહનશીલતાની મર્યાદા પાર થઈ ચૂકી છે ત્યારે, આંદોલન હવે અંતિમ પગલું નહીં, પણ આરંભ છે. તેમ જણાવેલ.
ગાંધીધામ ચેમ્બરનાના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, સ્ટીલ, સિમેન્ટ, નમક, પાઇપ, કૃષિ ઉત્પાદનો અને ખનિજ ઉઘ્યોગોથી ઘેરાયેલો કચ્છ જીલ્લો દર વર્ષે હજારો કરોડના આયાત-નિકાસના વેપાર સાથે દેશના આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપે છે. છતાં, અહીંના મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો તાત્કાલિક સમારકામ અને પુનર્નિર્માણ માટે તરસી રહ્યા છે. આ હાઇવેની ખરાબ હાલત સામે છેલ્લા છ માસથી વિવિધ પરિવહન અને લોજિસ્ટિક સંગઠનો દવારા અનેક વાર શાંતિપૂર્ણ રજૂઆતો કરવામાં આવી છે. NHAT દ્વારા આશ્વાસન અપાયું હોવા છતાં, હજી સુધી જમીન પર કોઈ નોંધપાત્ર કાર્યવાડી થઈ નથી. અને આવનારા સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સ્વપ્ન સમાન તુશા પોર્ટ સહિત ગ્રીન હાઈડ્રોજન તેમજ સોલાર પાર્ક જેવા મહાકાય પ્રોજેક્ટ્સ આવી રહ્યા હોઈ આ પરિસ્થિતિ હજુ વધારે ખરાબ થવા ની શક્યતાઓ દર્શાવી કોસ્ટલ હાઇવે નું નિર્માણ, એર કાર્ગો અને હયાત હાઇવેના ઝડપી સમારકામ ની માંગ દોહરાવી હતી.
આ અંગે ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજા કાનગડ અને ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, “ટોલ ટેક્ષમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે પણ, રોડની હાલત વર્ણનથી બહાર છે. આવા સંજોગોમાં શાંતિપૂર્વક આંદોલન સિવાય બીજો કોઈ માર્ગ બાકી રહ્યો નથી. તેવી વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસીએશનો તરફથી આવેલ. લેખિત રજૂઆતોને ધ્યાને લઈ, કેન્દ્રીય મંત્રાલય અને પરિવહન મંત્રી નીતિન ગડકરી, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, કચ્છ કલેકટર તેમજ ઓથોરીટીને ઉદેશીને ટ્રાન્સપોર્ટરોની વ્યથા ઠલવાઈ છે.
તેઓએ આગળ ઉમેર્યું હતું કે, “કચ્છનો ટ્રાન્સપોર્ટ ઉધ્યોગ દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે, ત્યારે યોગ્ય ઇનફાસ્ટ્રકચર સ્થાપિત કરાવવું એ તેમનો હક છે. સાથે, ગાંધીધામ ચેમ્બરે, તમામ પરિવહન સંગઠનોને શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ કરવા વિનંતી કરી છે અને તેમના મુદ્દાઓને કેનદ્ર સરકારશ્રી સમક્ષ મજબૂતીથી રજુ કરવાની ખાતરી આપી છે. હવે જો કેનદ્ર સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને સુઘ્ઢ આયોજનથી સમારકામનો આરંભ નહી કરે, તો આંદોલનનો પ્રવાહ રાષ્ટ્રીય સ્તરે મોટી અસરો ઉભી કરી શકે તેમ છે – ખાસ કરીને લોજિસ્ટિક ચેઇન અને દરિયાઈ વેપારમાં ઘણા વિક્ષેપ સર્જી શકે છે.
આંદોલન હેઠળ તાત્કાલિક અસરકારક વિરોધ કાર્યકમો પણ યોજાશે જેમાં, મુખ્ય ધોરીમાર્ગો પર વાહન સ્થગિત અને ટોલ પર વિરોધ દર્શાવાશે. એસોસીએશનની વિનંતીના આધારે, ચેમ્બર દારા રાજ્ય અને કેનદ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓને પણ લેખિતમાં જાણ આપવામાં આવી છે અને જિલ્લા કલેક્ટર, એસ.પી., NHAT અને સંબંધિત તંત્રોને પણ સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવી છે અને “અમે કોઈ રાજકીય એજન્ડા વગર વાત કરીએ છીએ. આ મુદ્દો સંપૂર્ણપણે ન્યાયસંગત છે. કચ્છ જિલ્લો એ, દેશ માટે કમાઉ અને આર્થિક ઉપાર્જન કરતું એન્જિન છે. પણ, આ એન્જિન ના પાસા હવે, હાઇવેની દયનીય હાલતને કારણે અટકી રહ્યાં છે.
આ સંયુક્ત બેઠકમાં ચેમ્બર તરફથી પ્રમુખ મહેશ પુજ, પૂવ પ્રમુખ તેજા કાનગડ, માનદમંત્રી મહેશ તીર્થાણી, ખજાનચીશ્રી નરેન્દ્ર રામાણી, કારોબારી સભ્ય હરીશ માહેશ્વરી, રાજીવ ચાવલા, ઉપરાંત ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ગાંધીધામ સ્થાનિક 25 ઓનર્સ એસોસિએશન, કંડલા લિક્વિડ ટેન્ક ટર્મિનલ એસોસિએશન, કંડલા/મુન્દ્રા કન્ટેનર ટ્રનસપોર્ટ્સ વેલ્ફેર એસોસિએશન, ન્યૂ જીજીટીએ વેલ્ફેર ફાઉન્ડેશન, કંડલા ટેન્કર ઓનર્સ એસોસિએશન, ટેન્કર ઓનર્સ એન્ડ ઓપરેશન્સ એસોસિએશન ના અગ્રણીઓ તેમજ તેમના હસ્તે ના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેવું એક અખબારી યાદીમાં માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું.