ગાંધીધામ ટુડે, ન્યૂઝ : શહેરની મુખ્ય બજારની ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા માટે સાઉથ વિસ્તારમાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા બજારની લગોલગની શેરીઓમાં થયેલાં દબાણો ઉપર માર્કિંગ કરીને 64 લોકોને નોટિસ આપવામાં આવી છે.
ગાંધીધામ મહાનગરપાલિકાના ટાઉનપ્લાનર નીરજ પટેલ, દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી, ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટીના મનોજ ટિકિયાણી, ગાયત્રીબેન ગુપ્તા, એસ.આર.સી.ના ભગવાન ગિરયાણી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ સાઉથમાં નકશા મુજબ રસ્તાનું માપ કરીને દબાણ ઉપર માર્કિંગ કરવામાં આવ્યા હતા.

ચાવલા ચોકમાં પાલિકાએ તેના જ હસ્તકના શૌચાલયને પણ માર્કિંગ કર્યું હતું. તેની સાથેસાથે દબાણ વિભાગના લક્ષ્મણ મહેશ્વરી સહિતના કર્મચારીઓએ નોટિસ આપવાનું શરૂ કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ 64 નોટિસ આપવામાં આવી હતી તેમજ સમયમર્યાદાની અંદર સ્વેચ્છાએ દબાણો દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું . અહીં વ્યાપક દબાણો છે. 30 ફૂટનો માર્ગ માત્ર પાંચ ફૂટની આસપાસનો રહ્યો છે. જો દબાણ દૂર કરવામાં આવે તો માર્ગો પહોળા થઈ જાય તેમ છે. મુખ્ય બજારમાં આડેધડ વાહનો પાર્કિંગ થતાં હોવાથી ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાને હલ કરવા માટે મુખ્ય બજારની બરોબર પાછળના ભાગે રહેણાક વિસ્તારની જે બિનઉપયોગી જગ્યા છે ત્યાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન ઘડવામાં આવ્યું છે.

અહીં દબાણ દૂર કરવામાં આવે તો સારામાં સારી વાહન પાર્કિંગ વ્યવસ્થા ઊભી થઈ શકે તેમ છે. હાલના સમયે તંત્ર દબાણ ઉપર માર્કિંગ કરીને નોટિસ આપી રહ્યું છે.