ગાંધીધામ ટુડે, ન્યૂઝ : તાજેતરમાં કચ્છ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પર થયેલા હુમલાને પગલે, કચ્છ જિલ્લા NSUI દ્વારા કલેક્ટર અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપીને સુરક્ષાની ગંભીર સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી છે. NSUI એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે કોલેજો વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની સુરક્ષા સુનિશ્ચિત ન કરી શકે, તેવી તમામ કોલેજોની માન્યતા રદ થવી જોઈએ.
છેલ્લા એક અઠવાડિયામાં કચ્છ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બે મોટી ઘટનાઓ બની છે, જેણે સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી દીધું છે. થોડા દિવસ પહેલાં આદિપુરના તોલાણી કેમ્પસમાં પ્રિન્સિપલ પર હુમલો થયો હતો, જ્યારે ગઈકાલે ભુજની સંસ્કાર કોલેજમાં એક વિદ્યાર્થીની પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
NSUI દ્વારા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે કચ્છ યુનિવર્સિટી હેઠળ આવતી તમામ કોલેજોમાં સુરક્ષાની સુવિધાઓ જેવી કે સિક્યુરિટી ગાર્ડ્સ, સીસીટીવી કેમેરા, અને ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવે. જો કોઈપણ કોલેજમાં સુરક્ષામાં ખામી જણાય, તો તેને બ્લેકલિસ્ટ કરી માન્યતા રદ કરવામાં આવે. ખાસ કરીને સંસ્કાર કોલેજ અને તોલાણી કેમ્પસમાં સુરક્ષાના અભાવની તપાસ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આવેદનપત્ર આપતી વખતે કચ્છ જિલ્લા NSUI ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જો ત્રણ દિવસની અંદર આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો NSUI વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે.
આ આવેદનપત્ર આપતી વેળાએ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી કે હુંબલ, NSUI પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, રમેશ ગરવા, એચ એસ આહીર, અંજલી ગોર, રામદેવસિંહ જાડેજા, ગની કુંભાર, વિશાલ ગઢવી, ગોર ધૈર્ય, અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.