કચ્છમાં શિક્ષકોની અછત મુદ્દે NSUI દ્વારા “સદબુદ્ધિ હવન”

કચ્છમાં શિક્ષકોની અછત મુદ્દે NSUI દ્વારા "સદબુદ્ધિ હવન" કચ્છમાં શિક્ષકોની અછત મુદ્દે NSUI દ્વારા "સદબુદ્ધિ હવન"

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લામાં શિક્ષકોની અતિશય અછત અને સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય પ્રત્યે દાખવવામાં આવતી ઉદાસીનતાના વિરોધમાં આજે કચ્છ જિલ્લા NSUI દ્વારા મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં અનોખો “સદબુદ્ધિ હવન” કાર્યક્રમ યોજાયો હતો. સરકારને સદબુદ્ધિ મળે અને તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ભગવાન શંકરને પ્રાર્થના કરવામાં આવી હતી.

NSUI દ્વારા વારંવાર રજૂઆતો અને વિરોધ પ્રદર્શનો કરવા છતાં સરકાર કોઈ નક્કર પગલાં ન લેતા, આ અનોખા વિરોધ પ્રદર્શનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. NSUIના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે સરકાર જનતાને માત્ર “લોલીપોપ” આપી રહી છે અને શિક્ષકોની ઘટ્ટને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે.

Advertisements

આ પ્રસંગે કચ્છ જિલ્લા NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “જો કચ્છના છ ધારાસભ્યો અને એક સાંસદ શિક્ષકોની ભરતી ન કરાવી શકતા હોય, તો તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.” તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, સરકારના પેટનું પાણી પણ નથી હલતું અને હવે ભગવાન જ તેમને સદબુદ્ધિ આપે તે જરૂરી બન્યું છે.

આ “સદબુદ્ધિ હવન” કાર્યક્રમમાં કચ્છ જિલ્લા NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમભાઈ ગઢવી, તાલુકા પંચાયતના સદસ્ય આસારીયા ભાઈ ગઢવી, સુરેન્દ્રસિંહ ઝાલા, અલ્તાફ, NSUIના નિખિલ જુવડ, તુષાર મોથારીયા, વિવેકસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસના ભરતભાઈ પાતારીયા, હરેશ મોથારીયા સહિતના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisements

આ કાર્યક્રમ દ્વારા NSUIએ ફરી એકવાર સરકારને કચ્છ જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા સુધારવા અને શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવા માટે અપીલ કરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment