ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકાના નવા કમિશનર મનીષ ગુરવાણીએ ચાર્જ સંભાળ્યા પછી શહેરમાં સ્વચ્છતા, સુવિધા અને વિકાસના કાર્યોને નવી દિશા મળી રહી છે. શહેરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે તેમની આગેવાની હેઠળ “વન વીક વન રોડ” ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે, જે હેઠળ દરેક સપ્તાહે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સફાઈ અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ ઝુંબેશ અંતર્ગત આજે કમિશનર મનીષ ગુરવાણીએ આદિપુરના પ્રખ્યાત 64 બજાર વિસ્તારમાં વ્યક્તિગત મુલાકાત લીધી. તેમણે ત્યાં ચાલી રહેલી સફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને વેપારીઓ સાથે સીધી વાતચીત કરી. તેમણે વેપારીઓ તથા વિસ્તારના રહેવાસીઓને કચરાનું યોગ્ય રીતે નિકાલ કરવા, ડોર-ટુ-ડોર કચરા એકત્રિત કરવાની પ્રક્રિયામાં સહકાર આપવા તેમજ બજારમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી.
કમિશનરે પોતાના સંવાદ દરમિયાન જણાવ્યું કે, શહેરની સ્વચ્છતા માત્ર મહાનગરપાલિકાની જવાબદારી નથી, પરંતુ નાગરિકોનો સહકાર પણ એટલો જ મહત્વનો છે. “જ્યાં નાગરિકો પોતાના ઘરની બહાર સફાઈ માટે જાગૃત થાય, ત્યાં શહેર આપોઆપ સ્વચ્છ બનશે,” એમ તેમણે ઉમેર્યું.
વેપારીઓએ કમિશનરને બજારમાં આવતી વિવિધ સમસ્યાઓથી અવગત કર્યા, જેમ કે કચરાનો સમયસર ઉપાડ, વરસાદી ઋતુમાં પાણી ભરાવાની તકલીફ અને પાર્કિંગની વ્યવસ્થા. કમિશનરે તમામ રજૂઆતોને ગંભીરતાથી સાંભળી અને શક્ય તેટલા વહેલા સમયમાં ઉકેલ લાવવા આશ્વાસન આપ્યું.
નાગરિકો સાથેની આ સીધી વાતચીતથી લોકોમાં વિશ્વાસ પેદા થયો છે કે નવો પ્રશાસન શહેરના પ્રશ્નો ઉકેલવા માટે તત્પર છે. મનીષ ગુરવાણી પોતાની કામગીરી દરમ્યાન માત્ર કચેરી સુધી મર્યાદિત ન રહીને મેદાનમાં ઉતરીને જનતા સાથે સંવાદ સાધે છે, જેના કારણે લોકો તેમની કાર્યશૈલીને પ્રશંસાપાત્ર ગણાવી રહ્યા છે.
આ ઝુંબેશનો મુખ્ય હેતુ શહેરના દરેક વિસ્તારોમાં સફાઈ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સ્વચ્છતા અભિયાનને લોકોના સહભાગથી સફળ બનાવવાનો છે. આગામી દિવસોમાં આ ઝુંબેશ હેઠળ ગાંધીધામ અને આદિપુરના અન્ય વિસ્તારોમાં પણ કમિશનર તથા મનપાના અધિકારીઓ નિયમિત મુલાકાત લેશે.
સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ કમિશનરની પહેલને આવકાર આપી અને જણાવ્યું કે, “જો આ પ્રકારની કાર્યવાહી સતત ચાલુ રહેશે તો ચોક્કસ શહેરની છબી સુધરશે અને લોકો માટે વધુ સારી સુવિધાઓ ઉભી થશે.”