ગાંધીધામ ટુડે, ન્યૂઝ : જમ્મુ-કાશ્મીરના શોપિયાન જિલ્લાના કેલર વિસ્તારના ઘન જંગલોમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. “ઓપરેશન કેલર” અંતર્ગત શુકરુ જંગલ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો હાથ લાગ્યો છે.

સ્થાનિક પોલીસ, સીઆરપીએફ, ભારતીય સેના અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં બે દિવસમાં ખૂબ જ મહત્વની સફળતા મળી છે. પોલીસના ટોચના અધિકારી અનુસાર, ગઈકાલે લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા બાદ સમગ્ર કેલર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકીઓ આ જંગલ વિસ્તારમાં છૂપાયા હોવાની ખुफિયા માહિતી મળતાં ઓપરેશન કેલર શરૂ કરાયું હતું. તપાસ દરમિયાન શુકરુ જંગલ વિસ્તારથી એકે-47 રાઈફલો, હેન્ડ ગ્રેનેડ્સ, કારતૂસ અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.આ સંયુક્ત ઓપરેશન હજુ યથાવત્ છે અને આસપાસના વિસ્તારોમાં પણ તીવ્ર તપાસ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મળેલા હથિયારોના આધારે એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓ કોઈ મોટા હુમલાની તૈયારીમાં હતાં, પરંતુ સમયસર કાર્યવાહી થતા મોટી દુર્ઘટના ટળી છે.

સ્થાનિક નાગરિકોને સુરક્ષા દળોએ શાંતિ જાળવવા અને કોઈ પણ શંકાસ્પદ હલચલની જાણ કરવા અનુરોધ કર્યો છે. શોપિયાનના જંગલોમાંથી મળેલી ખતરનાક સામગ્રીના પગલે રાજ્યમાં આતંકવાદી ગતિવિધિઓ અંગે ચિંતાનો માહોલ છવાયો છે.