ગાંધીધામ ટુડે, ન્યૂઝ : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર‘ હેઠળ પાકિસ્તાનને કડક જવાબ આપ્યો છે. આ ઓપરેશન દરમ્યાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની આતંકી ઠેકાણાંઓ પર અસરકારક હુમલા કર્યા, અને હુમલાની તીવ્રતાથી હકપ્રત થયેલા પાકિસ્તાને કચ્છથી કાશ્મીર સુધી હવાઈ હુમલાની કોશિશ કરી હતી. તેમ છતાં, ભારતીય હવાઈ સંરક્ષણ પદ્ધતિ દ્વારા તમામ હુમલાઓ નિષ્ફળ બનાવાયા.
ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે વાયુસેના, બીએસએફ અને સેના સાથે મુલાકાત કરી અને જવાનોનું મનોબળ વધાર્યું. રક્ષામંત્રીએ કહ્યું કે, “ભારત હવે જૂનું દેશ નથી રહ્યો, નવી તાકાત સાથે ઉભું રહ્યું છે. ઓપરેશન સિંદૂર એ નવા ભારતની ઝલક છે.“

તેમણે ઉમેર્યું કે પાકિસ્તાનની અંદર જે મિસાઇલો છોડી હતી, તેનો પડઘો આખી દુનિયાએ સાંભળ્યો છે. “પાકિસ્તાન માટે 23 મિનિટ પૂરતા હતા, જેટલા સમયમાં આપણે નાસ્તો કરીએ, તેટલા સમયમાં જ આપણાં જવાનોએ દશમનોનો ખાતમો કર્યો.”
તેમણે બ્રહ્મોસ મિસાઇલ, DRDOની હવાઈ સંરક્ષણ પદ્ધતિઓ અને ભારતના આયાત વિના બનેલા હથિયારોની પ્રશંસા કરી. “આ ઓપરેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નામાંકિત છે અને એ ભારતના આત્મનિર્ભર બનેલા હથિયારોના યશગાનનો જીવંત પુરાવો છે,” એમ તેમણે જણાવ્યું.
ભુજ એરબેઝની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવતા તેમણે યાદ અપાવ્યું કે “ભુજ એ 1965 અને 1971ના યુદ્ધોમાં પણ આપણાં વિજયનું સાક્ષી રહ્યું છે. આજે પણ એ જ ભૂમિકા નિભાવતા ભારતીય જવાનો દેશની સુરક્ષામાં અડીખમ ઊભા છે.”

એરબેઝની મુલાકાત પછી રક્ષામંત્રીએ કચ્છના ભૂકંપ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે સ્મૃતિવનની મુલાકાત લીધી. તેમના સાથે સાંસદ વિનોદ ચાવડા અને કચ્છના તમામ ધારાસભ્યો પણ હાજર રહ્યા.
પાકિસ્તાની ડ્રોનના પ્રવેશ બાદ કચ્છમાં બ્લેકઆઉટ
પાકિસ્તાની ડ્રોન કચ્છના વિવિધ વિસ્તારોમાં દેખાતા તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે, ભારતીય હવાઈ સુરક્ષા દળોએ તમામ ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યા હતા. આ ઘટનાઓ દર્શાવે છે કે આજે ભારતની તાકાત માત્ર શસ્ત્રોમાં નહીં, પણ તકનિકી ક્ષમતામાં પણ છે.
રાજનાથ સિંહે જણાવ્યું કે “આતો ફક્ત ટ્રેલર છે, આખું પિક્ચર હજી બાકી છે. પાકિસ્તાનને હવે પ્રોબેશન પર મૂકવામાં આવ્યું છે. જો ફરીથી ભૂલ કરશે તો જવાબ વધુ કડક હશે.” ભારત હવે આતંકવાદને રાષ્ટ્રીય સંરક્ષણના હિસ્સા તરીકે લઈને આગળ વધે છે અને દરેક પ્રકારના ખતરા સામે સજાગ છે.