ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે આવેલા રાજવી રેલવે ફાટક પર નિર્માણાધીન ઓવરબ્રિજનું કામ છેલ્લા ચાર વર્ષથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિક પ્રજા ભારે હાલાકીનો સામનો કરી રહી છે. આ બ્રિજ કંડલા એરપોર્ટને સીધો જોડતો હોવાથી તે અત્યંત વ્યસ્ત માર્ગ પર આવેલો છે.

ભારે ટ્રાફિક અને લાંબા સમયથી પ્રતીક્ષા:
આ માર્ગ પરથી દરરોજ અંદાજે દોઢસો જેટલી ટ્રેનો પસાર થાય છે, જેના કારણે ફાટક બંધ થતા કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. બહારથી આવતા વેપારીઓ, અધિકારીઓ, રાજનેતાઓ અને સામાન્ય વાહનચાલકો સૌ કોઈ આ ટ્રાફિક સમસ્યાથી પરેશાન છે. ઓવરબ્રિજની માંગ વર્ષો જૂની હતી અને તે સંતોષાઈ ખરી, પરંતુ કામની ગોકળગતિએ લોકોની ધીરજ ખૂટી ગઈ છે.
કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત:
ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઝાલા દેવેન્દ્રસિંહ દિલીપસિંહે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, “રેલવે ડિપાર્ટમેન્ટને જે કામ કરવાનું હતું તે પૂર્ણ થઈ ગયેલું છે. હાલ ગુજરાત સરકારમાં આવતું કામ તે ગુજરાત સરકારની નિષ્ફળતાના કારણે હજુ સુધી અડધાની આસપાસ પણ પહોંચ્યું નથી.”

કામગીરી બંધ થતા મુશ્કેલીમાં વધારો:
દેવેન્દ્રસિંહે વધુમાં ઉમેર્યું કે, કામ કરનાર કોન્ટ્રાક્ટર પોતાની મરજી મુજબ કામ ચાલુ કે બંધ કરે છે અને હાલ પણ ઘણા સમયથી સંપૂર્ણપણે કામ બંધ છે. જેના કારણે હજારો રાહદારીઓ અને વાહનચાલકોને સવાર-સાંજ બે-બે કલાક સુધી ટ્રાફિક જામની સમસ્યામાંથી પસાર થવું પડે છે.

ભાજપ નેતૃત્વ પર સવાલ:
ઝાલા દેવેન્દ્રસિંહે કચ્છના ધારાસભ્યો, સાંસદ કે મંત્રીઓ આ માર્ગ પરથી પસાર થવા છતાં કોઈ ધ્યાન ન આપતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, “કચ્છમાં આવતા મંત્રીઓનું ધ્યાન પણ દોરતા નથી તેના પરથી કચ્છ ભાજપની નબળી નેતાગીરીના પણ દર્શન થાય છે.”
તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ:
દેવેન્દ્રસિંહે મુખ્યમંત્રીને રોડ અને બાંધકામ વિભાગ, ભુજ, કચ્છને તાત્કાલિક આ પુલનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપવા વિનંતી કરી છે, જેથી લોકો ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મેળવી શકે. તેમણે આશા વ્યક્ત કરી કે આગામી ત્રણ વર્ષમાં પણ કામ પૂર્ણ થાય તેવું લાગતું નથી, જે ચિંતાજનક બાબત છે.