ગાંધીધામ ટુડે, ન્યૂઝ :ચોમાસા પહેલાં અંજાર નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં, શહેરના ઘણા વિસ્તારોમાં ગટરની સમસ્યા યથાવત છે. ખાસ કરીને વોર્ડ નંબર ૭માં આવેલા સાવસર નાકા રોડ, ગેબનશા પીર ગલી, મોઢફળિયા રોડ અને સોરઠિયા ફળિયા જેવા વિસ્તારોમાં સતત ગટરો ઊભરાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતા માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે. રાહદારીઓ માટે આ રસ્તાઓ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ગંદકી અને દુર્ગંધને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.
જો આ સમસ્યાનું સમયસર નિવારણ નહીં આવે તો ચોમાસાની ઋતુમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. વરસાદના પાણી સાથે ભળવાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય વધી રહ્યો છે. ઉભરાતી ગટરોને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેનાથી મેલેરિયા અને ટાઈફોઈડ જેવા રોગોનું જોખમ વધી શકે છે.
સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકાને આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવા અને જરૂરી પગલાં લેવા અપીલ કરી છે. આ સાથે, રોગચાળો અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ડીડીટીનો છંટકાવ કરવાની પણ માંગ કરવામાં આવી છે. નગરપાલિકા પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ કરે છે, પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ જણાઈ રહી છે.