ગાંધીધામ ટુડે, ન્યૂઝ : જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા જઘન્ય આતંકવાદી હુમલાના પગલે સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ ચુસ્તતામાં આવી ગઈ છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદને ધ્યાનમાં રાખી ધોળાવીરા બોર્ડર પરથી આવતા-જતા વાહનોની કડક ચેકીંગ હાથ ધરવામાં આવી છે. ખડીર પોલીસ, તાલીમી પ્રોબેશનર ASI તથા બીએસએફના જવાનો દ્વારા સંયુક્ત રીતે વાહન ચેકીંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

સ્થાનિક લોકોને પણ તેમના વિસ્તારમાં જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવાય તો તાત્કાલિક પોલીસ સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. આત્મઘાતી હુમલાની ભીતિ વચ્ચે સુરક્ષા એજન્સીઓના પ્રયાસો વધુ સઘન બન્યા છે.

અંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સરકારે પણ પાકિસ્તાન વિરુદ્ધ કડક નીતિ અપનાવી છે. ભારતે તત્કાલ અસરથી કર્તારપુર કોરિડોર બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ, પાકિસ્તાનના નાગરિકોને વિઝા આપવાનું પણ સ્થગિત કરવામાં આવ્યું છે. ભારતમાં આવેલી પાકિસ્તાની એમ્બેસી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને પાકિસ્તાની રાજદૂતને તાત્કાલિક દેશ છોડવા સૂચવવામાં આવ્યું છે.
આ પગલાં ભારતની આંતરિક અને સરહદી સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે લેવામાં આવી રહ્યાં છે તથા આતંકવાદી પ્રવૃત્તિઓ સામે ભારતનો દ્રઢ અવાજ દર્શાવે છે.