ગાંધીધામ ટુડે, ન્યૂઝ : જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં પાકિસ્તાની સેનાએ એકવાર ફરીથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતાં ભયાનક ગોળીબાર અને મોર્ટાર હુમલાઓ કર્યા છે. આ હુમલામાં 15 નિર્દોષ ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 43 જેટલા ઘાયલ થયા છે. પાકિસ્તાનની આ નાપાક હરકત ઓપરેશન સિંદૂર પછી સતત ચેતવણી આપતા હોવા છતાં ચાલુ રહી છે.
LOC પર તોડફોડ અને દહેશત
પાકિસ્તાની દળોએ પૂંછ, રાજૌરી, કુપવાડા અને તંગધાર જેવા સરહદી વિસ્તારોમાં ગોળીબાર કર્યો. સરકારી અધિકારીઓ અનુસાર, હુમલો અર્ધરાત્રે 2 વાગ્યે શરૂ થયો હતો અને ખાસ કરીને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યો હતો. મોર્ટાર શેલિંગથી ઘણા ઘરો, દુકાનો અને વાહનોને ભારે નુકસાન થયું છે. લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને સુરક્ષિત સ્થળે દોડાવા માટે અફરાતફરી મચી ગઈ હતી.
ભારતીય સેના ઓપરેશન સિંદૂર હેઠળ સક્રિય
ભારતની સેના ઓપરેશન સિંદૂર અંતર્ગત માત્ર આતંકવાદીઓને જ લક્ષ્ય બનાવી રહી છે, તેમ છતાં પાકિસ્તાની દળો નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહી છે. સ્થાનિક લોકો અને સત્તાવાળાઓએ આ હુમલાને ‘કાયર અને બર્બર’ ગણાવ્યો છે. પાકિસ્તાની દળોએ મોટા પાયે તોપખાના અને મોર્ટારનો ઉપયોગ કર્યો હોવાની માહિતી પોલીસ અને સૈન્ય અધિકારીઓએ આપી છે.
150થી વધુ નાગરિકોને ખસેડાયા
સેનાની સહાયથી 150થી વધુ લોકોને બીએસએફ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. યુદ્ધ સમાન પરિસ્થિતિમાં પણ ભારતીય સુરક્ષા દળો નાગરિકોની સુરક્ષા માટે સતત કાર્યરત છે.
બે મુખોવાણી: શાંતિની વાત અને યુદ્ધની હરકતો
જ્યાં પાકિસ્તાનના રક્ષા મંત્રી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સામે હુમલો ન કરવાની ખાતરી આપી રહ્યા છે, ત્યાં જ તેની સેના સતત 14મા દિવસે યુદ્ધવિરામનો ભંગ કરી રહી છે. આથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનની બોલી અને હકીકત વચ્ચે મોટો ફેર છે.