ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ભુજથી અમદાવાદ વચ્ચે દોડતી નમો એક્સપ્રેસ ઇન્ટરસિટી ટ્રેનને આદિપુર રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવે એવી આદિપુર તેમજ આજુબાજુના વિસ્તારોના રહેવાસીઓ દ્વારા સતત માંગણી ઊઠી રહી છે.
પ્રવાસીઓ જણાવે છે કે ભુજથી સવારે અમદાવાદ માટે નીકળતી નમો એક્સપ્રેસ ટ્રેન લગભગ સવારે 6 વાગ્યે ગાંધીધામથી પસાર થાય છે. આ સમયે આદિપુર અને નજીકના ગામોમાંથી ટ્રેન પકડી શકવું મુશ્કેલ હોય છે. વહેલી સવારે રિક્ષા કે અન્ય વાહનો સરળતાથી ઉપલબ્ધ ન હોય, તેમજ સ્કૂલ વાહનો અગાઉથી બુક થયેલા હોય છે, જેના કારણે મુસાફરોને ખાસ વાહનો ભાડે લેવા પડે છે. આવા વાહનો માટે તેઓને રૂ. 400 થી 500 સુધીનું ભાડું ચૂકવવું પડે છે.
સ્થાનિક લોકો કહે છે કે ટ્રેન તેમનાં ઘરની આસપાસથી જ પસાર થાય છે, છતાં સ્ટોપ ન હોવાથી તેમને તેનો લાભ મળતો નથી. ખાસ કરીને પરિવારો સાથે મુસાફરી કરતાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવીજ મુશ્કેલી અમદાવાદથી પરત ફરતી વખતે પણ અનુભવાય છે.
પ્રવાસીઓએ રેલવે વિભાગને અપીલ કરી છે કે આદિપુર રેલવે સ્ટેશન પર નમો એક્સપ્રેસ ટ્રેન માટે સ્ટોપ સુવિધા આપવામાં આવે જેથી આસપાસના વિસ્તારોના લોકોને પણ આ લોકપ્રિય ટ્રેનનો પૂરતો લાભ મળી શકે.