ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ દિલ્હીમાં ભાજપની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, ‘જનશક્તિ સર્વોપરી! વિકાસ જીત્યો, સુશાસનની જીત થઈ. દિલ્હીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવવા બદલ તમામ દિલ્હીવાસીઓને મારા વંદન અને અભિનંદન. તમે જે અતૂટ વિશ્વાસ અને સ્નેહ વરસાવ્યો છે. તેના બદલ આભાર.
અમે દિલ્હીની ચારેબાજુ વિકાસ અને અહીંના લોકોનું જીવન ઉત્તમ બનાવવા માટે કોઈ કસર બાકી રાખીશું નહીં. આ અમારી ગેરેંટી છે. અમે સુનિશ્ચિત કરીશું કે, વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હીની ભૂમિકા મહત્ત્વની બને. મને ભાજપના બધા કાર્યકર્તાઓ પર ગર્વ છે. જેમણે આ પ્રચંડ જનાદેશ માટે દિવસ-રાત એક કરી દીધા હતા. અમે હવે વધુ મજબૂતી સાથે દિલ્હીવાસીઓની સેવામાં સમર્પિત રહીશું.’
કેજરીવાલે હાર સ્વીકારી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે, જેમાં AAPનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીની વિશ્વસનીયતા ખરાબ રીતે ઘટી ગઈ છે. 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બની રહી છે. ત્યારે હવે આ પરિણામો પર રાજકીય નેતાઓના નિવેદનો સામે આવ્યા છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.

AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, “અમે લોકોના જનાદેશને ખૂબ જ નમ્રતાથી સ્વીકારીએ છીએ. હું ભાજપને આ જીત માટે અભિનંદન આપું છું અને મને આશા છે કે તેઓ તે બધા વચનો પૂરા કરશે જેના માટે લોકોએ તેમને મત આપ્યા છે. અમે છેલ્લા 10 વર્ષમાં આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે. અમે ફક્ત રચનાત્મક વિપક્ષની ભૂમિકા જ નહીં ભજવીશું પણ લોકોની વચ્ચે રહીશું અને તેમની સેવા કરતા રહીશું…”