ગાંધીધામ ટૂડે, ન્યૂઝ : ગાંધીધામ તાલુકાના શિણાય રોડ પર 6 કારમાં સવાર ઘોરણ 12માં અભ્યાસ કરતા કુલ 15 વિદ્યાર્થીઓએ રીતસર હાહાકાર મચાવ્યો હતો. જાણે કોઇ કાર રેસ કે ફિલ્મોની શૂટિંગ ચાલી રહી હોય તેમ આ નબીરાઓએ એરગન હાથમાં લઇ કારના સનરૂફમાંથી રીતસર ડર ફેલાવ્યો હતો. જોખમી ડ્રાઇવિંગથી રાહદારીઓના જીવ પણ માંડ બચ્યા હતાં. વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલી પોલીસે ગુનો નોંધ્યો હતો. પુખ્ત વયના 5 છાત્રો સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જ્યારે કિશોરવયના અન્ય છાત્રો સામે જૂવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કાર્યવાહી થશે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આ નબીરાઓનો પતો મેળવ્યો હતો.
શનિવારે આદિપુર નજીક શિણાય રોડ પર છ કારો લઇને ફેરવેલ પાર્ટીમાં જઇ રહેલા 12માં ધોરણના વિદ્યાર્થીઓએ જોખમી ડ્રાઇવિંગ કરવા ઉપરાંત એરગન સાથે રીલ બનાવતા બનાવી હતી.આ ક્લીપ વાયરલ થતાં આદિપુર પોલીસે તાત્કાલિક આ જોખમી સ્ટંટ કરનારા નબીરાઓને પકડી લીધા બાદ લોકોમાં રીતસરનો ભય ફેલાવનારા આ કહેવાતા આ છાત્રોને ભુલનું ભાન થયુ હતું અને હવે ક્યારેય આવું નહીં કરીએ કહી માફી માગી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.
આદિપુર પીઆઇ ડી.જી.પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, સવારે કારના જોખમી સ્ટંટ સાથે રૂફટોપ પર ઉભા રહીને એરગન દ્વારા બનાવાયેલી રીલ વાયરલ થતાં કાર્યવાહી કરાઇ હતી. આ સ્ટન્ટ કરનાર ગાંધીધામના સપનાનગરમાં રહેતા 18 વર્ષીય આર્યા વિશાલ દુબે, આદિપુરમાં રહેતો 20 વર્ષીય પાર્થ જેહાભાઇ ચૌધરી, મેઘપર કુંભારડી રહેતો 18 વર્ષીય રીતેશ સજન રોહિવાલ, 20 વર્ષીય પુનિત ઉમેદ રોહીવાલ, વરસામેડી રહેતો 18 વર્ષીય જયદિપ મનોહર શર્મા તેમજ 10 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને પકડી લઇ રૂ.44,50,000 ની કિંમતની 6 કાર તથા બે એરગન કબજે કરી તેમના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ વિદ્યાર્થીઓ અહીં આવેલી આત્મિય વિદ્યાપીઠમાં ફેરવેલ પાર્ટીમાં જઇ રહ્યા હતા ત્યારે આ સ્ટંટબાજી કરી હતી.
જવાબદાર કોણ ? વાલીઓ અને શાળા પ્રશાસનની ભૂમિકા સામે પણ સવાલ જો કાર પલટી જાત અને અંદર સવાર છાત્રોને કોઇ દૂર્ઘટના થઇ હોત તો ? આમાં ખરેખર તો પોતાના બાળકોને કાર આપી દેતા વાલીઓ તેમજ સ્કુલમાં વાહનો લઇ આવવા દેવાની છૂટ આપતા શાળા પ્રશાસનને પણ જવાબદાર ગણવું પડે તેવુ લોકોએ કહ્યું હતું. હાલ તો આ ઘટનામાં જે નબીરાઓ સ્ટંટ કરી એરગન સાથે ભય ફેલાવી રહ્યા હતા તેને પોલીસે પકડી લીધા બાદ તેઓને પોતાની ભુલનું ભાન થયું હતું. અને હવે ક્યારેય આવું નહી કરીએ જણાવી માફી માગી હતી.
આ વાહનોના ચાલકોના લાયસન્સ રદ્દ કરાશે આદિપુર પીઆઇ પટેલે જણાવ્યું હતું કે, જોખમી સ્ટન્ટ કરી ભય ફેલાવનાર તમામ સામે ગુનો નોંધાયો છે તે ઉપરાંત આ વાહનોના ચાલકોના લાયસન્સ પણ રદ્દ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.
શાળામાં વાહનો લઇ જવાના પ્રતિબંધનું સૂરસૂરીયું આમ તો ઘણા સમય પહેલાં શાળામાં છાત્રોને ટુ-વ્હીલર પણ લઇ આવવાની મનાઇ કરી દેવાઇ છે પરંતુ તેમ છતાં મોટા ભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓ બેરોકટોક વાહનો લઇને જતા હોય છે અને શાળા પ્રશાસન પણ પગલા લેતું નથી તેમજ પોલીસ વિભાગે પણ વાહનો લઇને જતા છાત્રો સામે કાર્યવાહી કરવી જોઇએ.
સ્ટંટમાં અનેકના જીવ અધ્ધર થયા આ ઘટનામાં વિડીયોમાં દેખાય છે તે રીતે કારના સ્ટંટ જાહેર રોડ પર કરાઇ રહ્યો હતો. ત્યારે અનેક રાહદારીઓનો જીવ જોખમમાં જ હતો. કેટલાક રાહદારીએ માંડ બાજુમાં હટી જઇ પોતાને કારની ટક્કરથી બચાવ્યો હતો. લોકો અને માર્ગમાં આવેલા અન્ય વાહન ચાલકોમાં રીતસર હાહાકાર મચી ગયો હતો.