ગાંધીધામ ટુડે | કચ્છ:
જ્યાં એક તરફ ‘ફૂલે’ ફિલ્મે BookMyShow પર 10માં 9.4 રેટિંગ મેળવીને રાષ્ટ્રીય સ્તરે વખાણ પામ્યા છે, ત્યારે બીજી તરફ કચ્છમાં એ જ ફિલ્મ એક પણ થિયેટરમાં લાગતી નથી – જેના કારણે ચર્ચાનો જોર વધી રહ્યો છે.
જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન ઉપર આધારિત આ બાયોપિક ફિલ્મ પ્રતિક ગાંધી અને પત્રલેખા જેવી અદ્ભૂત અભિનેતાઓ સાથે દિગ્દર્શક અનંત મહાદેવને તૈયાર કરી છે.
ગુજરાતના વડોદરા, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં આ ફિલ્મ હાઉસફુલ શો ધરાવે છે. પણ જ્યારે કચ્છના ગાંઠે જઈએ, ત્યારે ત્યાંના મુખ્ય શહેરો – ભુજ, ગાંધીધામ અને અંજારના સિનેમાઘરો કહે છે:
“ફિલ્મ ચાલતી નથી, એટલે નથી લગાવતાં.”
મૌખિક જવાબો, કોઈ લેખિત સ્પષ્ટતા નહીં
સ્થાનિક સંગઠનો દ્વારા સિનેમાઘરો સાથે સંપર્ક સાધતા, એમને એવો જવાબ મળ્યો કે ફિલ્મ “હાલતી નથી”. કોઈ થિયેટરે જાહેરાત પણ ન આપી કે કેમ ફિલ્મ લાવવામાં નહીં આવી. કેટલાકોએ તો “ઉપરથી ના છે” એવું પણ મૌખિકમાં કહી નાખ્યું.
સ્થાનિક સંગઠનોની રજુઆતો અને સવાલો…
ગાંધીધામના સામાજિક સંગઠને જણાવ્યું:
“આ ફિલ્મ મનોરંજન માટે નહીં, શિક્ષણ અને ઈતિહાસના દર્પણરૂપે બનાવવામાં આવી છે. જો આવી ફિલ્મ લોકોને જોવા ન દેવામાં આવે, તો શું તેને નફાકારકતા સામે ખોટું ગણવું નહીં પડે?”
કેટલાક યુવાનો પિટીશન ચલાવવાના મૂડમાં છે, જ્યારે કચ્છના લોકલ Instagram પેજ અને ગ્રુપ પર #PhuleInKutch ટ્રેન્ડ થવા લાગ્યું છે.
ફિલ્મ નહિં, વિચાર અટકી જાય એ ખરેખર ચિંતાની બાબત…
સ્થળિય બુદ્ધિજીવી માને છે કે, ફૂલે જેવી ફિલ્મ સમાજને દર્પણ દેખાડે છે – ત્યાં “હાલે છે કે નહીં” ના આધારે તેને અટકાવવી એ સંસ્કૃતિની અવગણના જેવી લાગણી ઊભી કરે છે. પ્રશ્ન હવે માત્ર ફિલ્મનો નથી – આ વિચારપદ્ધતિના અવરોધનો છે.
BookMyShow જેવી સાઇટ પર 9.4 રેટિંગ આપતી પ્રજાની પસંદગીને થિયેટર તંત્ર અવગણે – તો પ્રશ્ર્ન ઊઠે જ: “ફિલ્મ નથી ચાલતી કે કોઈને એ ચાલવા દેવી નથી?”
