ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લામાં આવેલા નારાણપર અને દહીંસરા ગામોની વચ્ચેથી એક અફવા ઝડપથી ફેલાઈ હતી કે ત્યાં કોઈ વિમાન ક્રેશ થયું છે. વિડિઓઝ સાથે વિમાની દુર્ઘટનાની વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, તાત્કાલિક રીતે પોલીસ અને તંત્રએ સ્થળ પર તપાસ હાથ ધરી હતી અને જાણવા મળ્યું કે પ્લેન ક્રેશની ઘટના અસલી નહોતી, પણ માત્ર અફવા હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, “અમને નારાણપર નજીક પ્લેન પડી ગયાનું જાણવાનું મળ્યું. એટલેથી તાત્કાલિક ટીમ સાઈટ પર પહોંચી હતી. તમામ વિસ્તારોની તલાશી બાદ એવું કોઈ પણ પ્લેન ક્રેશ અથવા અકસ્માત ન હોવાનું પુરવાર થયું. જે વિડિઓ વાયરલ થયા છે તે 2022માં જાપાનની ઘટનાના છે.”
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે કોઈને પણ અણઘટના અથવા દુર્ઘટનાની ખોટી માહિતી ફેલાવવી એ ગુનાહત કૃત્ય છે અને આ અંગે તાત્કાલિક સાયબર ક્રાઈમ સેલને પણ તપાસમાં જોડવામાં આવ્યું છે. હજી સુધી તપાસમાં સામે આવ્યું છે કે કોઈ અજાણી વ્યક્તિએ જૂના વિડીયો લઈ તેને નારાણપરના નામે ફોરવર્ડ કર્યો હતો, જેને લોકો વચ્ચે ભય ફેલાયો.
2022માં જાપાનમાં થયેલ પ્લેન દુર્ઘટનાનો વિડિઓ ત્યારે પણ દુનિયાભરમાં ચર્ચામાં રહ્યો હતો. હાલ કોઇને આ વિડીયો કાઢી ફરીથી ફોરવર્ડ કરવાનો પ્રયાસ કરાયો છે. આ વિડિઓ કચ્છમાં કેવી રીતે ફરીથી વાઇરલ થયો અને કોણે તેને કચ્છ સાથે જોડ્યો તે અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
કચ્છ પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે લોકો કોઈ પણ માહિતીની ચકાસણી કર્યા વિના સોશિયલ મીડિયા પર ફેલાવવી નહીં. ગેરમાર્ગે દોરતી માહિતીથી શાંતિ-સુરક્ષા ભંગ થવાની શક્યતા રહે છે અને એ માટે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
આ ઘટનાથી ફરી એકવાર સામે આવ્યું છે કે સોશિયલ મીડિયાના જમાનામાં ખોટી માહિતી કેટલા ઝડપથી ફેલાઈ શકે છે અને તે સામાજિક ગભરાટ પેદા કરી શકે છે. લોકોને હવે વધુ સાવચેત રહેવાની જરૂર છે અને કોઈ પણ સંદિગ્ધ ફોટો કે વિડીયો મળવા પર તરત સ્થાનિક તંત્રને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.