ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ રાજ્યની સરકારી કચેરીઓ બહાર હેલ્મેટના નિયમનું પાલન કરાવવાની રાજ્ય પોલીસવડાની સૂચનાનાં પગલે રાજ્યભરમાં કાર્યવાહી થઇ હતી, જેમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં હેલ્મેટ નિયમ ભંગના 126 કેસ દાખલ કરી પોલીસે દંડકીય કાર્યવાહી કરી હતી.

માર્ગ અકસ્માતનાં કારણે થતાં મૃત્યુ તથા ગંભીર ઇજાઓ પર અંકુશ લાવી શકાય, જેથી હેલ્મેટના નિયમનું અમલીકરણ કરવું જરૂરી છે. રાજ્યના નિયમનો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે, તે માટે તા. 11/2થી રાજ્યની સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે તેવી સૂચનાનાં પગલે પોલીસે પગલાં લીધાં હતાં.

પશ્ચિમ કચ્છની જિલ્લા અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા આજે સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ન પહેરેલાઓ વિરુદ્ધ કુલ 36 નિયમ ભંગના કેસ કરી કુલ રૂા. 14,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પૂર્વ કચ્છમાં જિલ્લા-સિટી ટ્રાફિક પોલીસ દ્વારા એસ.પી. કચેરી, તાલુકા પંચાયત કચેરી, નગરપાલિકાઓની કચેરી, ઇન્કમ ટેક્સ, રેલવે વિભાગ, મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન બહાર કાર્યવાહી કરી 90 એન.સી. કેસ કરી રૂા. 45000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
