ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભચાઉ શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ વિભાગે ગુરુવારે સાંજે સરપ્રાઇઝ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. પી.આઇ. અર્જુનસિંહ જાડેજાની આગેવાની હેઠળ પીએસઆઈ ડી.જે. ઝાલા, કે.બી. તરાર અને સ્થાનિક ટ્રાફિક પોલીસની ટીમે ભવાનીપુર અને નવી ભચાઉ વિસ્તારમાં રેલવે બ્રિજ નજીક ચેકિંગ કર્યું હતું.

અભિયાન અંતર્ગત બે અને ચાર પૈડાંનાં વાહનોની સઘન તપાસ કરાઈ હતી. લાયસન્સ વિના વાહન હંકારતા તેમજ કાળા કાંચ લગાવનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કેટલાક ચાલકો ચેકિંગ જોઈને રસ્તો બદલી જતા પણ નજરે પડ્યા હતા.

પોલીસના કોમ્બિંગ દરમિયાન 186 વાહનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 33 વાહન પર એનસી આપી કુલ ₹17,000નો દંડ વસુલાયો હતો અને 12 વાહન ડીટેઇન કરાયા હતા. 13 દંગાખોર અને 17 શંકાસ્પદ ઇસમોની ઓળખ કરી 51 એરોલ અને બીરોલ ફાઇલ કરાયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.