ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં ચોમાસાની ઔપચારિક શરૂઆત પહેલાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ ખૂબજ ઊંચી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના પૂર્વાનુમાન અનુસાર 22 થી 26 મે વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.
હાલના સમયમાં એરેબિયન સમુદ્રમાં એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં વધુ મજબૂત બની શકે છે અને ડીપ્રેશન, ડીપ ડીપ્રેશન અથવા વાવાઝોડું પણ બની શકે છે. જો આ સિસ્ટમ ગુજરાતના નજીક આવે તો તેના કારણે 22મીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે અને એક સપ્તાહ સુધી અલગ-અલગ જિલ્લાઓમાં મધ્યમથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.
IMD મુજબ,
- 23મે: છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ
- 24-25મે: નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી
- અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ
હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે ચોમાસું 8 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશી શકે છે. ખેડૂતો અને વહીવટીતંત્ર માટે આ આગાહી અગત્યની સાબિત થઈ શકે છે, કારણ કે આગોતરા તૈયારી કરવા માટે યોગ્ય સમય છે.