ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ હવે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે આ અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં જ ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
રાજીનામા બાદ ચૂંટણી પંચ સક્રિય ગત 21મી જુલાઈએ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સ્વીકારી લીધું હતું. આ પછી, ચૂંટણી પંચે એક પ્રેસ રિલીઝ દ્વારા જણાવ્યું કે, “ભારતના ચૂંટણી પંચે 2025ની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધિત તૈયારીઓ શરુ કરી દીધી છે. ટૂંક સમયમાં જ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.”
ચૂંટણી અધિનિયમ 1952 હેઠળ થશે ચૂંટણી ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે આ ચૂંટણી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ 1952 અને તેના નિયમો (રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નિયમો 1974) હેઠળ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં સંસદના બંને ગૃહોના સભ્યો, એટલે કે લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા અને નામાંકિત સભ્યોનું બનેલું ઇલેક્ટોરલ કોલેજ તૈયાર થઈ રહ્યું છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા બંધારણના અનુચ્છેદ 66 મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યો દ્વારા ‘અનુપાતિક પ્રતિનિધિ પદ્ધતિ’થી થાય છે. આ ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદો જ ભાગ લે છે, જેમાં નામાંકિત સભ્યોનો પણ સમાવેશ થાય છે. આ પદ્ધતિમાં ‘સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ’નો ઉપયોગ થાય છે, જ્યાં મતદારો પોતાની પસંદગીના ઉમેદવારોને પ્રાથમિકતાના ક્રમમાં મત આપે છે. નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી 60 દિવસની અંદર કરવી ફરજિયાત છે.
ખાસ પેન અને ગુપ્ત મતદાન ચૂંટણીમાં મતદાન ગુપ્ત રીતે કરવામાં આવે છે અને મતપત્ર પર ચિહ્નિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા પૂરી પાડવામાં આવેલી ખાસ પેનનો જ ઉપયોગ કરવાનો હોય છે. અન્ય કોઈ પેનનો ઉપયોગ કરવાથી મત અમાન્ય ગણી શકાય છે. આ પ્રક્રિયા માટે લોકસભા અને રાજ્યસભાના મહાસચિવમાંથી કોઈ એકને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
ગુજરાત પર નજર જ્યારે દેશના નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ રહી છે, ત્યારે ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ આ ચૂંટણીને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. ઉપરાષ્ટ્રપતિના પદ માટે ગુજરાતના નેતાનું નામ આવે છે કે નહીં, તે સમય જ કહેશે.