ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કલા અને કસબની ધરતી એવા કચ્છની મુલાકાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ વિશ્વવિખ્યાત એવા ધોરડોના સફેદ રણ ખાતે ભાતીગળ સંસ્કૃતિની રજૂઆત કરતો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છ સહિત વિવિધ પ્રાંતના લોક સંગીત, સાહિત્ય અને સંસ્કૃતિને ઉજાગર કરતો ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમો નિહાળી રાષ્ટ્રપતિશ્રી પ્રભાવિત થયા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રારભે ‘કચ્છડે જો હર ધામ’ ગીતથી કલાકારોએ કચ્છના વિવિધ યાત્રાધામોને વંદન કરાવ્યા હતાં. કચ્છની ઓળખ એવા ‘ગજીયો’ લોકગીતની પ્રસ્તુતિ નિહાળી રાષ્ટ્રપતિશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ તકે કલાકારોએ ઢાલ-તલવાર સાથે પ્રાચીન ‘મણિયારો રાસ’ રજૂ કરી શૌર્ય રસની અનુભૂતિ કરાવી હતી. ‘શિવ આરાધના’ અને ‘સપ્ત સિંધુ’ ની કલાકારોએ કથક સાથે દર્શકો સામે રજૂઆત કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

રણની રૂપેરી ભૂમિ પર કલાકારોએ કલાના કામણ પાથરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

આ સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગની પ્રસ્તુતિ દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ,

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી એસ. છાકછુઆક, ગુજરાત પ્રવાસન નિગમના જોઈન્ટ ડિરેક્ટરશ્રી કે.એસ.ઝાલા, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેષ પંડ્યા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી દેવાંશી ગઢવી અને ધોરડો સરપંચશ્રી મિયાં હુસેન સહિતના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.