ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચાલુ માસના અંતે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેઓ સરહદી કચ્છ જિલ્લાની મુલાકાત લઇ વિશ્વવિખ્યાત ધોરડો સફેદ રણ, ધોળાવીરા અને સ્મૃતિવન સહિતના સ્થળોની મુલાકાત લેવાના હોવાનું વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યનો સરહદી જિલ્લો કચ્છ પોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. રણ, દરિયો અને ડુંગર ધરાવતા કચ્છની સુંદરતા અને કચ્છના પ્રવાસન સ્થળો જગવિખ્યાત છે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છની મુલાકાત લઈ કચ્છના આ પ્રવાસન સ્થળોથી વાકેફ થશે.વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ 28 ફેબ્રુઆરીના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે તેઓ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામ એવા ધોરડો ખાતે આયોજિત રણોત્સવની મુલાકાત લેશે તેમજ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપાયો છે.

તે પ્રાચીન ધોળાવીરાની મુલાકાત લઈ ઇતિહાસથી વાકેફ થશે.રોડ ટુ હેવનનો નજારો માણી કચ્છની કુદરતી રચનાઓ વિશે વાકેફ થનાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત તેઓ ભુજ ખાતે સ્મૃતિવન મેમોરીયલની પણ મુલાકાત લેવાના છે આખા દેશમાં ભૂકંપ આધારિત મ્યુઝિયમ માત્ર ભુજમાં આવેલું છે અને તેની ડિઝાઇન બાબતે તેને સર્વશ્રેષ્ઠ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે.

રાષ્ટ્રપતિની સંભવિત મુલાકાતને લઈને વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે અને હાલ તૈયારીઓ શરૂ કરી દેવાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અગાઉ 2018મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કચ્છની મુલાકાતે આવ્યા હતા તો 2023માં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ પણ કચ્છની મહેમાનગતિ માણી ચૂક્યા છે.