ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર શહેરમાં ગણેશ્રી તળાવ પાસે આવેલી સરકારી જમીન પર થયેલાં ગેરકાયદેસર દબાણોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યાં છે. આ કાર્યવાહી દરમિયાન, ₹1.76 કરોડની કિંમતની 68,898 ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર આનંદ પટેલની સૂચના અને પ્રાંત અધિકારી ચૌધરીના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરીએ આ પગલું ભર્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે શહેરના જીઆઈડીસી વિસ્તારમાં સરકારી સર્વે નંબર 547 પર દબાણ થયું હતું, જ્યાં વાણિજ્યિક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી.

દબાણકર્તાઓને અગાઉ નોટિસ પાઠવીને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા અથવા માલિકીના દસ્તાવેજો રજૂ કરવા તક આપવામાં આવી હતી.

જોકે, કોઈ કાર્યવાહી ન થતાં મામલતદાર ભગવતીબેન ચાવડાના નેતૃત્વ હેઠળ સર્કલ ઓફિસર વિક્રમ ગોહિલ, દબાણના નાયબ મામલતદાર કે.એમ. રાઠોડ અને તેમની ટીમ દ્વારા આ દબાણો પર બુલડોઝર ફેરવીને જમીન ખાલી કરાવવામાં આવી હતી. આ દબાણો આઠ જુદા-જુદા વાડા સ્વરૂપે હતા.

આ કાર્યવાહીથી અંદાજિત 1 કરોડ 76 લાખ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી થઈ છે. તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ આવા દબાણો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
