ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગત નાણાકીય વર્ષમાં 150 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું હેન્ડલિંગ કરીને દેશભરના મહાબંદરોમાં કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે પ્રથમ સ્થાન મેળવનાર કંડલા પોર્ટ (દીનદયાળ પોર્ટ ઓથોરિટી – DPA) ખાતે આગામી 26મી મેના રોજ વડાપ્રધાનના હસ્તે ₹532 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ભુજની મુલાકાત દરમિયાન વડાપ્રધાન દ્વારા નવી ઓઈલ જેટી અને હાઈડ્રોજન એક્સેલન્સ સેન્ટર સહિતના મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાશે, જે બંદરના આર્થિક વિકાસને વધુ ગતિશીલ બનાવશે.
નવી ઓઈલ જેટી: ક્ષમતામાં વધારો અને કાર્યક્ષમતામાં સુધારો
DPA ખાતે તાજેતરમાં જ 7 નંબરની જેટીનું લોકાર્પણ કરાયા બાદ વધુ એક ઓઈલ જેટીનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. ₹226 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ જેટીથી 3.5 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં વધારો થશે. આ નવી જેટી 8000 DWT સુધીના મોટા કદના જહાજોનું સંચાલન કરી શકશે. આ સુવિધા LPG, ખાદ્ય તેલ અને રસાયણો જેવા કાર્ગોના સંચાલનને સરળ બનાવશે, જેથી વપરાશકર્તાઓની માંગ પૂરી કરી શકાશે. આનાથી જહાજોની પ્રતીક્ષા યાદી ઘટશે અને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે.
હાઈડ્રોજન હબ અને સેન્ટર ઓફ એક્સેલન્સ
દીનદયાળ પોર્ટને કેન્દ્ર સરકાર દ્વારા હાઈડ્રોજન હબ બનાવવાની દિશામાં ચેરમેન સુશીલકુમાર સિંઘના નેતૃત્વ હેઠળ વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. મોટા પ્રકલ્પો ઉપરાંત નાના પાયે પણ હાઈડ્રોજન પ્લાન્ટ સ્થાપાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે અને આગામી સમયમાં પોર્ટ ખાતે હાઈડ્રોજનના ઉત્પાદનની પણ શરૂઆત થઈ જશે. આ અંતર્ગત ₹6.5 કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સેલન્સનું નિર્માણ કરાયું છે. આ કેન્દ્ર ગ્રીન હાઈડ્રોજન અપનાવવા, વૈશ્વિક સહયોગને સરળ બનાવવા અને નવીનતાને પ્રેરણા આપવા માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ બનશે. આ કેન્દ્રમાં સંશોધન અને વિકાસ કેન્દ્ર, તાલીમ ખંડ, મુલાકાતીઓ માટે ગેલેરી, બહુહેતુક અને કોન્ફરન્સ રૂમ, પુસ્તકાલય, બિનપરંપરાગત ઊર્જાના પ્રદર્શન મોડેલો તેમજ ઉપયોગિતા સેવાઓ અને કાફેટેરિયાનો સમાવેશ થાય છે.
અન્ય મહત્ત્વપૂર્ણ વિકાસ કાર્યો
કાર્ગો જેટી વિસ્તારમાં ડોમ શેપ અને ટ્રાન્ઝિટ સ્ટોરેજ ગોડાઉન: ₹77 કરોડના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટથી 34560 ચો.મી. જેટલી સંગ્રહક્ષમતા અને 1.5 લાખ મેટ્રિક ટન કાર્ગો ક્ષમતામાં વધારો થશે. તેની લીક પ્રુફ છત માલ-સામાનને સુરક્ષા પૂરી પાડશે અને હેન્ડલિંગ સમયમાં ઘટાડો કરશે.
આદિપુરથી કાર્ગો 16થી NH 141 સુધીનો ફોર લેન રોડ ક્નેક્ટિવિટી પ્રોજેક્ટ: ₹75 કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ મુસાફરીનો સમય ઘટાડશે, માલ-સામાનના ઝડપી પરિવહનથી આર્થિક વિકાસને વેગ મળશે, અને ભવિષ્યમાં બંદર પરના ટ્રાફિકને સમાવવાની ક્ષમતામાં વધારો થશે.
એક્ઝીમ કાર્ગોના સંગ્રહ માટે બંદર વિસ્તારનું વિસ્તરણ: ₹100 કરોડના ખર્ચે 30 હેક્ટર વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે, જે કાર્ગોના સંગ્રહ માટે વધુ જગ્યા પૂરી પાડશે.
તુણા ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ સાથે સમાંતર જોડાણ: ₹41 કરોડના ખર્ચે થયેલા આ કાર્યથી તુણા ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલનું સંચાલન સરળ બનશે, ટ્રાફિકની સરળ અવરજવર થશે અને લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો થશે.
ગોપાલપુરી, ગાંધીધામ ખાતે 24 ક્વાર્ટર: ₹6.5 કરોડના ખર્ચે બનેલા આ ક્વાર્ટર બંદરના કર્મચારીઓને આવશ્યક સુવિધાઓ પૂરી પાડશે.
આ તમામ વિકાસ કાર્યો દીનદયાળ પોર્ટને આર્થિક અને લોજિસ્ટિક ક્ષેત્રે વધુ મજબૂત બનાવશે, જેનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકો પણ વધશે.