ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ પચરંગી શહેર ગાંધીધામમાં આવેલા સ્પા સેન્ટરોમાં મસાજની આડમાં ગોરખધંધા થતા હોવાનું અવાર નવાર સામે આવે છે. પોલીસ દ્વારા દરોડો પાડીને સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે. ત્યારે વધુ એક કાર્યવાહી સામે આવી છે.
ગાંધીધામ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કચ્છ કલા કોમ્પલેક્ષના પ્રથમ માળે આવેલા ‘ધ કેપિટલ થાઈ સ્પા’માં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ થયો હતો.
પોલીસે સ્પાના સંચાલક રાજવીર પ્રવીણ ગઢવીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 17 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી મળી આવેલી ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવી છે.
પોલીસે આ ગંભીર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
આજકાલ શરીરને મસાજ કરી આપવા માટે ‘સ્પા’નો ધંધો ધમધોકાર ચાલે છે. શરીરને મસાજ કરાવવાથી શરીર હલકું, સ્ફૂર્તિમય, તાજગીભર્યું બની જાય છે. જે આરોગ્ય માટે સારી વાત છે. પરંતુ હવે તો ઘણાં સ્પાની આડમાં દેહ-વેપારનો ધંધો ચાલી રહ્યો છે. મુંબઇ, થાઇલેન્ડ, પ.બંગાળથી રૂપાળી યુવતિ-લલનાઓને બોલાવીને સ્પામાં આવતા ગ્રાહકોને મસાજ કરીને અંગોની છેડછાડ કરીને દેહવિક્રય કરીને તગડા પૈસા લેવાતા હોય છે. ત્યારે સ્પા ની આડમાં ચાલતા દેહ વેપારની પ્રવૃતિ પણ અંકુશ લાવવું જરૂરી બન્યું છે.