ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે એક મોટા જુગાર રેકેટનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે જડસા ગામની સીમમાં આવેલી એક વાડીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, ધાણી પાસાનો જુગાર રમી રહેલા છ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 20 જુગારીઓ પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 4.07 લાખ સહિત કુલ 9.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસની સફળ કામગીરી
This Article Includes
પૂર્વ કચ્છ LCBના ઇન્ચાર્જ પીઆઇ એન.એન. ચુડાસમાને ચોક્કસ બાતમી મળી હતી કે, જડસા ગામનો મનહર અજમલ કોલી રાપરના મહેશ જીવણ કોલી અને ભરત પ્રેમજી કોલી સાથે મળીને જડસાની બરોડા સીમમાં આવેલી પોતાની વાડીમાં એક જુગાર ક્લબ ચલાવી રહ્યો છે. આ ત્રણેય બહારથી જુગારીઓને બોલાવીને તેમની પાસેથી ‘નાલ’ (જુગાર રમવાની ફી) ઉઘરાવીને મોટા પાયે ધાણી પાસાનો જુગાર રમાડતા હતા.
આ બાતમીના આધારે, પીઆઇ ચુડાસમાએ તાત્કાલિક એક ટીમ તૈયાર કરી અને દરોડો પાડવાની યોજના બનાવી. પોલીસ ટીમ અચાનક વાડીમાં ત્રાટકી, જેના કારણે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરોડામાં પોલીસે મહેશ છગનભાઇ વાઘેલા, ભરત ભવનભાઇ રાઠોડ, રામજી કેશરભાઇ મણકા, ધર્મેન્દ્રસિંહ હેતુભા જાડેજા, દિનેશ જેઠાભાઇ બારડ અને ભુપત મોતીભાઇ કોલી નામના છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
મોટાપાયે મુદ્દામાલ જપ્ત
પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 4,07,000, 3 મોટરસાયકલ અને એક જીપ સહિત કુલ રૂપિયા 9,37,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, દરોડાની જાણ થતાં 20 જેટલા અન્ય જુગારીઓ અંધારાનો લાભ લઈને નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં પીઆઇ એન.એન. ચુડાસમાની સાથે પીએસઆઇ ડી.જી. પટેલ અને અન્ય સ્ટાફ પણ જોડાયા હતા.