ગુજરાતના પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ હવે નાગરિકોને મળતી સુવિધાઓ પર આધારિત

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ ફક્ત ગુનાના આંકડા (ક્રાઇમ સ્ટેટેસ્ટિક્સ) પર આધારિત હતું, પરંતુ હવે તે નાગરિક-કેન્દ્રિત (સિટીઝન સેન્ટ્રીક) કામગીરી અને સુવિધાઓ પર આધારિત રહેશે. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની સૂચનાથી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ફેરફાર DG-IG કોન્ફરન્સ ૨૦૨૪ના મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. આ નવી પદ્ધતિ મુજબ, રાજ્યના દરેક શહેરો અને જિલ્લાઓમાં વર્ષમાં બે વખત પોલીસ સ્ટેશન રેન્કિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં લગભગ ૪૦ જેટલા અલગ-અલગ નાગરિક-કેન્દ્રિત મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisements

નવા રેન્કિંગ માપદંડોમાં મુખ્ય બાબતો

આ નવા માપદંડોમાં નાગરિકોને સીધો લાભ મળે તેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં નીચેની મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે:

  • અરજીઓનું ઝડપી નિવારણ: નાગરિકોની અરજીઓનું ઝડપી અને અસરકારક રીતે નિરાકરણ લાવવું.
  • કોમ્યુનિટી પોલીસિંગ: ‘શી’ (SHE) ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાથેની મુલાકાતો, તેમજ ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ અને ‘તેરા તુજકો અર્પણ’ જેવા કાર્યક્રમોનો અમલ.
  • મૂળભૂત સુવિધાઓ: પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા, મહિલાઓ માટે સ્વચ્છ શૌચાલય, પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, રાહત કક્ષ (Waiting Area) અને તેમાં નાગરિકો માટેની સુવિધાઓ, સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટી જેવી પાયાની સુવિધાઓ.
  • વ્યવહાર: પોલીસના ગેરવર્તન અંગેની અરજીઓનું નિવારણ.
  • જાહેર સંપર્ક: સંબંધિત પોલીસ સ્ટેશનના PSO અને SHO દ્વારા સરકારી નંબરનો ઉપયોગ.

આ નવી પદ્ધતિનો હેતુ પોલીસ સ્ટેશનો વચ્ચે નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે સકારાત્મક સ્પર્ધા ઊભી કરવાનો છે.

Advertisements

તાજેતરમાં, આ નવી પદ્ધતિના આધારે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. દરેક શહેર અને જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જને રાજ્યના પોલીસ વડાશ્રી તરફથી પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment