ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાપરમાં RTI એક્ટના દુરુપયોગનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક RTI એક્ટિવિસ્ટે ગુનામાં ફસાવવાની તથા જામીન રદ કરાવવાની ધમકી આપી રૂ. ૫ લાખની ખંડણી માંગતા રાપર પોલીસે ગુનો નોંધી, આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાપરના આરોગ્ય કેન્દ્ર સામે રહેતા હરેશ નામેરીભાઈ રાઠોડ નામના RTI એક્ટિવિસ્ટે એક સ્થાનિક વ્યક્તિને ખોટા કેસમાં ફસાવી દેવાની અને તેના જામીન રદ કરાવવાની ધમકી આપી હતી. ગુનામાંથી બચવા માટે આરોપીએ સીધા પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગીને પતાવટ કરવાની કોશિશ કરી હતી.
ધમકીથી ડરી ગયેલા પીડિતએ રાપર પોલીસ મથકમાં પીઆઈ જે.બી. બુબડિયા સાથે સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલાની ગંભીરતા નિહાળી પોલીસે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપી હરેશ રાઠોડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ તપાસ પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. રાપર પીઆઈ જગદીશ બુબડિયા અને પીએસઆઈ એસ.વી. કાતરીયાની ટીમે ઝડપથી પગલાં લઈને આરોપીની ધરપકડ કરી.