ગાંધીધામ ટુડે, ન્યુઝ : રાપર શહેર અને તાલુકામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. નર્મદા વિભાગે 30 માર્ચથી કચ્છની નર્મદા કેનાલમાં પાણી બંધ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી રાપર શહેરની 40 હજારની વસ્તી અને 60 હજાર પશુઓ માટે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાશે.

રાપર તાલુકાના 97 ગામો અને 227 વાંઢ તેમજ ખડીરના 12 ગામો અને 17 વાંઢમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવાની આશંકા છે. રાપર નગરપાલિકા પાસે માત્ર નગાસર તળાવ જ પાણી સંગ્રહ માટેનો એકમાત્ર સ્રોત છે. તળાવ સંપૂર્ણ ભરાય તો પણ માત્ર 10-15 દિવસ પૂરતું જ પાણી મળી શકે તેમ છે.
નર્મદા કેનાલમાં રિપેરિંગ અને સફાઈ કામ બાકી હોવાથી પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે 15 એપ્રિલ સુધી કેનાલ ચાલુ રાખવામાં આવે જેથી તેમને આર્થિક નુકસાન ન થાય. હાલ પણ રાપર પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અઠવાડિયે માત્ર એક વાર જ પાણી વિતરણ કરવામાં આવે છે.

ગામડાઓમાં મહિલાઓને સ્થાનિક કૂવા પરથી પાણી ભરવું પડે છે. હાઇવે પટ્ટી પરની અનેક હોટલોમાં ગેરકાયદેસર પાણીના કનેક્શન ચાલુ છે. પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ કનેક્શન કાપવાની કાર્યવાહી કરે છે, પરંતુ બીજા જ દિવસે આ કનેક્શન ફરી જોડાઈ જાય છે.