ગાંધીધામ ટુડે, ન્યૂઝ: કચ્છ જિલ્લામાં ઉદ્યોગોના વિકાસ અને રિયલ એસ્ટેટના વધતા લેવડદેવડના પગલે નોંધણી વિભાગે રેકોર્ડબ્રેક આવક નોંધાવી છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કુલ 59,762 દસ્તાવેજોની નોંધણી થઈ છે, જેના દ્વારા સરકારને રૂ. 3.48 અબજની આવક થઈ છે.
આ આવકમાં રૂ. 47.68 કરોડ નોંધણી ફી અને રૂ. 3.00 અબજ સ્ટેમ્પ ડ્યૂટીનો સમાવેશ થાય છે. તાલુકાવાર જોવામાં આવે તો ભુજ સૌથી આગળ રહ્યો છે જ્યાં 14,253 દસ્તાવેજોની નોંધણી થઈ હતી. જ્યારે લખપત સૌથી પછાત રહ્યો જ્યાં માત્ર 540 દસ્તાવેજો નોંધાયા.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2023-24માં 54,353 દસ્તાવેજો નોંધાઈ અને રૂ. 3.36 અબજની આવક થઈ હતી. તુલનાત્મક રીતે વર્ષ 2024-25માં 5,409 વધુ દસ્તાવેજો નોંધાયા અને આવકમાં પણ 12 કરોડનો વધારો નોંધાયો.
તાલુકાવાર દસ્તાવેજો અને સ્ટેમ્પ ડ્યૂટી આવક (ટોપ 3):
તાલુકો દસ્તાવેજો સ્ટેમ્પ ડ્યૂટી (₹)
ભુજ 14,253 ₹57.35 કરોડ
અંજાર 12,079 ₹58.85 કરોડ
ગાંધીધામ 9,679 ₹56.54 કરોડ
કચ્છમાં ઉદ્યોગો અને વસવાટ માટેની જમીન પર વધી રહેલી માંગથી રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવી છે, જેના કારણે રાજ્ય સરકારે નોંધપાત્ર આવક મેળવી છે.