ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે 50 હજારથી વધુનો વેરો બાકી હોય તેવા 40 મોટા બાકીદારોને મિલકત જપ્તીની નોટિસ ફટકારી છે. પાલિકાએ આ બાકીદારોને સાત દિવસની અંદર તમામ રકમ ભરપાઈ કરવા આખરી ચેતવણી આપી છે, અન્યથા તેમની મિલકત જપ્ત કરીને વસૂલાતની કાર્યવાહી હાથ ધરાશે.
મહાનગરપાલિકાની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અને સ્વભંડોળ વધારવાના પ્રયાસરૂપે ટેક્સ વસૂલાત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. 15 એપ્રિલથી 6 મે દરમિયાન ટેક્સ વિભાગે 49 કરોડના માગણા સામે 2.03 કરોડની વસૂલાત કરી છે. હાલમાં ચાલી રહેલી 10 ટકા રિબેટ યોજનાને કારણે વેરો ભરનારાઓની કચેરીમાં ભીડ જોવા મળી રહી છે.
ગત નાણાકીય વર્ષમાં માત્ર ત્રણ મિલકતો જ જપ્ત કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે એપ્રિલથી જ તંત્ર સક્રિય બન્યું છે. છેલ્લા 15 વર્ષથી વેરો ન ભરનારા 50 હજારથી વધુના બાકીદારોની યાદી તૈયાર કરીને પ્રથમ તબક્કામાં 40 મોટા બાકીદારોને નોટિસ આપવામાં આવી છે. નોટિસ મળતાની સાથે જ એક બાકીદારે એક લાખથી વધુની રકમ ભરી પણ દીધી છે. આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા બાકીદારો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.