ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લામાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, ડ્રગ્સ વિભાગે દવાઓના વેચાણ પર સઘન તપાસ હાથ ધરી છે. સરકારના આદેશ અનુસાર, ભુજ અને ગાંધીધામના કુલ ૭ હોલસેલ દવાના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ શરદી, ઉધરસ, તાવ, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બિમારીઓમાં વપરાતી દવાઓની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવાનો હતો.
ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટરોની ટીમે વેપારીઓના સ્ટોરમાંથી દવાઓની એક્સપાયરી ડેટ, કન્ટેન્ટ અને અન્ય વિગતોની બારીકાઈથી ચકાસણી કરી હતી. આ તપાસ દરમિયાન, શંકાસ્પદ જણાયેલી વિવિધ દવાઓના કુલ ૯૫ નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેમને હવે વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે.
આ કાર્યવાહી અંગે ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર સતીષભાઈએ જણાવ્યું કે, ‘વિભાગ દ્વારા સમયાંતરે આવી તપાસ કરવામાં આવે છે, ખાસ કરીને ચોમાસા જેવી ઋતુઓમાં ભેજવાળા વાતાવરણને કારણે થતા રોગોમાં વપરાતી દવાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.’ તેમણે ઉમેર્યું કે આ પ્રકારના ચેકિંગથી નકલી કે હલકી ગુણવત્તાવાળી દવાઓના વેચાણ પર અંકુશ લાવી શકાય છે.
આ દરોડાના પગલે, દવા વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જો લેબોરેટરી રિપોર્ટમાં કોઈ દવા અસુરક્ષિત કે નકલી સાબિત થશે, તો જવાબદાર વેપારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.