ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આદિપુરના લીઝ પ્લોટોના ભવિષ્ય અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યારે, કંડલા પોર્ટ ટ્રસ્ટ (હાલ દીનદયાલ પોર્ટ ઓથોરિટી – DPA) ના 2009ના એક પત્રે મહત્વનો ખુલાસો કર્યો છે. આ પત્ર મુજબ, કંડલા પોર્ટની પૂર્વ પરવાનગી વિના કોઈપણ રહેણાંક પ્લોટનો હેતુફેર કરી શકાશે નહીં.
તાજેતરમાં ડીપીએના એસઆરસીમાં નીયુક્ત સરકારીની ગેરહાજરી અને અગાઉના ઠરાવો વિરુદ્ધનો મુસદ્દો પસાર થવાને કારણે અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટના પોર્ટ અને SRC વચ્ચેની “ખો-ખોની રમતમાં” સામાન્ય લોકોનો ભોગ લેવાઈ રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
2009ની ચીફ એન્જિનિયરની સૂચના
વર્ષ 2009માં તત્કાલીન કંડલા પોર્ટ ટ્રસ્ટના ચીફ એન્જિનિયરે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી (GDA) ને એક પત્ર પાઠવ્યો હતો. આ પત્રમાં જણાવાયું હતું કે ગાંધીધામ ટાઉનશીપ 6920 એકરમાં ફેલાયેલી છે, જેમાંથી 2600 એકર SRC ને ટ્રાન્સફર કરવામાં આવી છે. માસ્ટર પ્લાન મુજબ, આ વિસ્તારમાં રહેણાંક, કોમર્શિયલ, શાળાઓ અને પાર્ક સહિતનો વિકાસ થવાનો છે.
જોકે, પોર્ટના ધ્યાને આવ્યું હતું કે GDA દ્વારા કેટલાક લોકોને રહેણાંક હેતુના પ્લોટમાં કોમર્શિયલ ગતિવિધિઓ માટે પરવાનગી આપી દેવામાં આવી છે, જેમાં પોર્ટને વિશ્વાસમાં લેવામાં આવ્યું નહોતું. આ પત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે “હવેથી આવી કોઈ પરવાનગી આપતા પહેલા કંડલા પોર્ટની પરવાનગી લેવાની રહેશે અને જેટલાને GDA દ્વારા આવી પરવાનગીઓ અપાઈ ચૂકી છે, તેમાં ધ્યાન રખાય કે આવા કોઈ પરિવર્તન ન કરાય.”
આ જૂના પત્રવ્યવહારો લીઝના પ્લોટોને રદ કરવા કે તેમનો સમયગાળો વધારવા અંગેના ભવિષ્યના નિર્ણયોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.