ગાંધીધામ ટુડે, ન્યુઝ : શહેરના સુંદરપુરીના જુદા-જુદા વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતાં ગરીબ લોકોને ખાનગી રાહે પાણી મગાવવાની ફરજ પડી રહી છે, આ સમસ્યા અંગે મ.ન.પા.માં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

શહેરના સુંદરપુરી વિસ્તારમાં આર્થિક રીતે નબળા લોકો વસવાટ કરે છે. ઉનાળાની આ ઋતુ શરૂ થતાંની સાથે જ આ વિસ્તારમાં પાણીના ધાંધિયા શરૂ થઇ ગયા છે. આહીરવાસ, ઇમામ ચોક, મસ્જિદ વિસ્તાર, પંચાયતી પ્રાથમિક શાળા વિસ્તારમાં લોકોને પાણી નસીબ થતું નથી. જેના કારણે લોકોને નાછૂટકે ખાનગી રાહે પાણી મગાવવાની ફરજ પડી રહી છે. આ વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવા વાહન આવતું નથી, જેના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ લોકોને સતાવી રહી છે.
પાણીના ટાંકાથી 9-બી ચોકડી સુધીના માર્ગ પરના દબાણો હટાવાયાં, પણ મલબો હજુ ત્યાં જ પડયો છે. અગાઉ આ માર્ગ પર વરસાદી નાળું હતું જે બંધ થઈ ગયું છે. નાળું ફરીથી ચાલુ કરાવવા માંગ કરાઇ હતી. વરસાદી નાળું બંધ રહેશે, તો વરસાદના સમયમાં ભયંકર સમસ્યા સર્જાશે. અહીંના દબાણો હટાવાયા છે, પરંતુ અનેક જગ્યાએ નોટિસો આપ્યા બાદ પણ મ.ન.પા.એ મૌન સેવી લીધું છે. આ વિસ્તારમાં અનેક જગ્યાએ ઊભરાતી ગટરથી લોકો વાજ આવી ગયા છે. વીજજોડાણ માટે પણ હાલમાં ના-વાંધા પ્રમાણપત્ર અપાતાં નથી. આ તમામ સમસ્યાઓ અંગે કોંગ્રેસના લતીફ આર. ખલીફા તથા સ્થાનિક લોકોએ મ.ન.પા.માં લેખિતમાં રજૂઆત કરી હતી.