ગાંધીધામ ટુડે, ન્યૂઝ : વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાના ગણતરીના કલાકોમાં જ ભુજ-ભીમાસર નેશનલ હાઈવે પરના નવનિર્મિત ઓવરબ્રિજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સતાપર નજીક કરોડોના ખર્ચે બનેલો આ બ્રિજ હજુ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો નથી ત્યાં જ તેના સર્વિસ રોડ બેસી ગયા છે. એટલું જ નહીં, બ્રિજ પોતે પણ કેટલીક જગ્યાએ તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે.
આ ઘટના વડોદરા જેવી મોટી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ચિંતા જગાવનારી છે. નવા બનેલા બ્રિજની આ હાલત જોતાં તેના નિર્માણમાં થયેલી ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર એજન્સીઓ તથા અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ મામલે સત્વરે તપાસ કરીને ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.