ગાંધીધામ ટુડે, ન્યૂઝ : મેઘપર બોરીચીથી નર્મદા કેનાલના રસ્તે વેલસ્પન કંપનીમાં રાત્રે જતા બે બાઇક ચાલકોને ચાર અજાણ્યા શખ્સોએ પાઈપ અને ધોકા વડે માર મારી તેમની પાસે રહેલી તમામ વસ્તુઓ લૂંટી લીધી હતી.
અંજાર પોલીસ સ્ટેશને રાજેશકુમાર રઘુવીરસિંગ પીવાલે ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા. 12/5ના રોજ રાત્રે આશરે સાડા નવ વાગ્યે ફરિયાદી અને સોનુંકુમાર રામકિશન બાઇક પર વેલસ્પન કંપની જઈ રહ્યા હતા. સોનુંકુમાર બાઇક ચલાવી રહ્યા હતા. દરમિયાન, વેલસ્પન કંપની તરફ નર્મદા કેનાલવાળા રસ્તા પર જતા તેમની પાછળ એક મોટરસાયકલ આવી અને તેમની બાઇકની આગળ ઊભી કરીને તેમને અટકાવ્યા. તેમાં સવાર ત્રણ શખ્સો તરત જ નીચે ઉતર્યા, જેમાં એકના હાથમાં લાકડાનો ધોકો અને બીજા પાસે પાઈપ હતો. તેઓએ આવીને ફરિયાદી અને સાહેદને માર મારવાનું શરૂ કર્યું.
જ્યારે તેઓ સતત હુમલો કરી રહ્યા હતા, ત્યારે ફરિયાદીએ તેમને પૂછ્યું કે તમને શું તકલીફ છે, કેમ મારો છો? તો તેમણે કહ્યું કે ખિસ્સામાં જે હોય તે કાઢી નાખો, નહીં તો જાનથી મારી નાખીશું. આથી ફરિયાદીના હાથમાં પહેરેલી ચાંદીની વીંટી, ગળામાંથી સોનાની ચેઈન અને ખિસ્સામાંથી મોબાઈલ તથા સાહેદ સોનુંકુમારનો મોબાઈલ તેમણે લઈ લીધો અને તેઓ જવા લાગ્યા. ત્યારે એક વ્યક્તિ ધોકો લઈને ફરિયાદી તરફ દોડતો આવ્યો અને કહ્યું કે પૂરું થઈ ગયું છે, ચાલો જલ્દી. એમ કહીને ત્રણેય બાઇક પર બેસીને આગળ જઈને ચોથા વ્યક્તિને પણ સાથે બેસાડીને મેઘપર બોરીચી બાજુ નીકળી ગયા હતા.
ફરિયાદી અને સોનુંકુમારને વાગ્યું હોવાથી તેઓ લંગડાતા લંગડાતા અંજાર વરસામેડી રોડ પર પહોંચ્યા અને એક બાઇક ચાલકને હાથ આપી બાઇક ઊભું રખાવીને તેમની સાથે બેઠા અને વેલસ્પન કંપનીના ડબલ્યુ ગેટ આગળ ઉતર્યા. ત્યાં તેમણે સિક્યોરિટી ઇન્ચાર્જને બનાવ અંગે જણાવ્યું. ત્યારબાદ ફરિયાદીના ઓળખીતા યોગેન્દ્રને જાણ કરી અને ટ્રાન્સપોર્ટના મેનેજર સંદીપભાઈ શર્માને બનાવની જાણ કરતા તેમણે વેલસ્પન કંપનીની એમ્બ્યુલન્સ મારફતે અંજારની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી.
સોનુંકુમારને વધુ ઈજા થઈ હોવાથી તેમને સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું કે ચારેય ઈસમ પાતળા બાંધાના હતા અને એક લાંબા વાળ વાળો હતો, જેણે ગળામાં તાવીજ જેવું કંઈક પહેરેલું હતું અને બધા ગુજરાતીમાં બોલતા હતા. આમ, આ ચારેય શખ્સોએ તેમને માર મારીને તેમની પાસેથી કુલ ₹ 60,500ની લૂંટ કરી હતી.