ગાંધીધામ ટુડે, ન્યૂઝ :શિક્ષણ, આરોગ્ય સહિતનાં સેવાકીય કાર્યો કરતી સંસ્થા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રી મહિલા દિવસના ઉપલક્ષમાં સેફ વૂમન સેવ ગાંધીધામના નારા સાથે માત્ર મહિલાઓ માટે જ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. 15થી 60 વર્ષની યુવતીઓ, વયસ્ક મહિલાઓએ ઉમળકાભેર ભાગ લઈને મહિલાઓ માટે સુરક્ષિત ગાંધીધામનો સંદેશ આપ્યો હતો.

આદિપુરમાં પંચમુખા હનુમાન મંદિર ખાતેથી સાંજે 7 વાગ્યાના અરસામાં મેરેથોન દોડને સ્ટાર્ટ આપવામાં આવ્યો હતો. પંચમુખા હનુમાન મંદિરના મહંત પ્રકાશાનંદજી મહારાજ, બી.એસ.એફ.ના કમાન્ડન્ટ વિજયકુમાર, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પુજ, એસ.આર.સી.ના ડાયરેક્ટર સેવક લખવાણી, શંભુભાઈ હુંબલ, પૂર્વ સુધરાઈ પ્રમુખ ગીતાબેન ગણાત્રા, ઈશિતાબેન ટીલવાણી, શહેર ભાજપ પ્રમુખ વિજય પરમાર, પ્રવીણ જોબનપુત્રા, દિનેશ જોબનપુત્રા, કચ્છમિત્ર ગાંધીધામ બ્યૂરોના ઉદય અંતાણી વિગેરેના હસ્તે લીલીઝંડી આપી મશાલ પ્રગટાવી મેરેથોન દોડનો આરંભ કરાયો હતો.
લીલીઝંડી આપતા જ મહિલા સ્પર્ધકોએ ઉત્સાહ સાથે દોટ મૂકી હતી. મેરેથોન દોડના આરંભ પૂર્વે બી.એસ.એફ. બટાલિયન-90ના કમાન્ડન્ટ વિજયકુમારે ભાગ લેનારા સૌ બહેનોને મહિલા દિવસની શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું હતું કે, પત્ની, માતા, બહેન સૌને પુરુષ સન્માન આપે આ સંબંધ દિલ સે હોવો જોઈએ તો ભારતમાં થોડા સમયમાં જ વિશ્વપટલમાં ત્રી-પુરુષની સમાન ભાગીદારી હશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. મેરેથોન શરૂ થતાં પૂર્વે છાયા અજબાની અને મિનાક્ષી મકવાણાએ સૌ ભાગ લેનારા સ્પર્ધકોને ઝુંબા ડાન્સ કરાવ્યો હતો, જેનાથી સ્પર્ધકોમાં ઉત્સાહનો સંચાર થયો હતો. બાદમાં પ્રેરણા ફાઉન્ડેશન મુંદરાના પ્રમુખ અને અનેક યુવતીઓને સ્વરક્ષણ અને તલવારબાજીની તાલીમ આપનારા જલ્પાબા સરવૈયાએ તલવારબાજી દર્શાવી હતી, જેને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવી હતી.

પંચમુખા હનુમાન મંદિરથી મેરેથોન દોડ શરૂ થઈ ટાગોર રોડ ઉપર તાલુકા પંચાયત કચેરીથી થઈ પરત પંચમુખા હનુમાન મંદિર ખાતે પહોંચ્યા હતા. તમામ સ્પર્ધકોએ નિર્ધારિત રૂટ સુધી દોડીને દોડને પૂરી કરી હતી. બાદમાં વિવિધ વિભાગમાં વિજેતા સ્પર્ધકોને મહેમાનોના હસ્તે મેડલ અને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. આ વેળાએ દીપેન જોડ, વાલુબેન મહેશ્વરી, નાનુબેન ધુવા, મંજુબેન ધેડા, શોભનાબેન ચક્રવર્તી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનમાં નીલકંઠ ગ્રુપ, ગ્લેમોનનો સહયોગ સાંપડયો હતો. ગ્લેમોન દ્વારા તમામ વિજેતાઓને વાઉચર આપવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનને પાર પાડવા પ્રેરણા ફાઉન્ડેશનના સ્થાપક પ્રદીપ પરિહાર, ડો. કમલેશ થારવાની, રેખા પરિહાર, ડો. કાજલ થારવાની, પ્રમુખ પલ્લવીબેન જોબનપુત્રા, ઉપપ્રમુખ સુમન ભાટી, સેક્રેટરી રેનુ થદાની, ખજાનચી ભૈરવ સાપેલા, સહમંત્રી શૈલજા અડવાણી, કારોબારી સભ્યો અક્ષય ઉમરાણિયા, જગદીશ ગણાત્રા, હરપાલસિંહ ગોહિલ, નંદિની પરમાર, ઈશિતા મેઘાણી, અનિતા કશ્યપ, રાજેન્દ્રસિંહ ભાટી, ડો. કિન્નરી પિત્રોડા, જીતુ વાજા, ક્રિષ્ના રાવ, બિંદી શેઠ, ભારતી પંજાબી, વાલજી હુંબલ વિગેરે સહયોગી બન્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકો માટે પાઠશાળા, ક્લિનિક જેમાં માત્ર 10 રૂા. ફીમાં નિષ્ણાત તબીબો દ્વારા સારવાર, વડીલો માટે ધાર્મિક યાત્રા સહિતના પ્રકલ્પો ચાલુ છે. દોડ દરમ્યાન પોલીસ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. રૂટ ઉપર પીવાનાં પાણીની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને રોડ ઉપર ડસ્ટબીનની પણ વ્યવસ્થા કરાઈ હતી. રૂટ ઉપર એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવામાં આવી હતી.


મેરેથોન દોડના વિજેતા સ્પર્ધકો
- ફોર્સ કેટેગરી – કોમલ રાઠોડ પ્રથમ – હેતલ ચૌહાણ દ્વિતિય – નારીકા હજારીયા તૃતિય
- 51 વર્ષ અને તેથી વધુ – ઉષ્માબેન શેઠ પ્રથમ – લક્ષ્મીબેન ભાનુશાળી દ્વિતિય – અમર બેન પટેલ તૃતિય
- 31 થી 50 વય જુથ – બબીતા માધુર પ્રથમ – શિતલ ઠક્કર દ્વિતિય – ગીતા ભાનુશાળી તૃતિય
- 15 થી 30 વર્ષ – ભુમી શર્મા પ્રથમ – ઝીલ બારોટ દ્વિતિય – સીમરન સૈની તૃતિય