આદિપુરમાં સરકારી સહાયના નામે 10 લાખની લોન બારોબાર લઇ લેવાનું કૌભાંડ: બેંક મેનેજર સહિત ચાર સામે ફરિયાદ

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ: આદિપુરમાં એક યુવતીને સરકારી યોજના હેઠળ બ્યુટી પાર્લર માટે રૂ. 30,000ની સહાય અપાવવાની લાલચ આપીને તેના દસ્તાવેજોના આધારે રૂ. 9.50 લાખની લોન મેળવી લેવાનો અને તેના હપ્તા ન ભરવાનો સનસનાટીપૂર્ણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે બેંક મેનેજર સહિત કુલ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

આદિપુરના બેવાળી લેબર કેમ્પ વિસ્તારમાં રહેતા ભારતીબેન હીરજી મહેશ્વરી નામની યુવતી પાસે દિનેશ સિંધવ અને નવીન ધુવા નામના શખ્સો આવ્યા હતા. તેમણે યુવતીને ગરીબ કલ્યાણ યોજના હેઠળ સરકાર પાર્લર માટે રૂ. 30,000ની સહાય આપે છે તેમ જણાવી વિશ્વાસમાં લીધી હતી. યુવતીએ સહાય લેવા માટે હા પાડતા આ શખ્સોએ યુવતી પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ મેળવી લીધી હતી.

Advertisements

થોડા દિવસો બાદ લક્ષ્મીબેન ઉમેશ મહેશ્વરી અને ફરિયાદીને આ શખ્સો અમરેલીની પંજાબ નેશનલ બેંકમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. ત્યાં કામ ન થતા ગાંધીધામની પંજાબ નેશનલ બેંકમાં ડોક્યુમેન્ટ જમા કરાવી થોડા દિવસમાં સહાય આપી જવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ એકાદ મહિનામાં નવીન ધુઆએ ટુકડે ટુકડે ફરિયાદીને રૂ. 30,000 આપ્યા હતા.

જોકે, આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે વર્ષ 2025ના ફેબ્રુઆરીમાં ફરિયાદી યુવતી જ્યુપીટર ટુ-વ્હીલર લેવા માટે શો-રૂમ પર લોન કરાવવા ગઈ. ત્યાં સિબિલ સ્કોર ખરાબ હોવાથી લોન ન મળી શકે તેમ જણાવાયું. પોતે કોઈ લોન ન લીધી હોવા છતાં લોન બોલતી હોવાની જાણ થતાં યુવતીએ તપાસ કરી તો તેના નામે રૂ. 10 લાખની લોન બોલતી હતી, જેના હપ્તા પણ ભરાયેલા નહોતા.

આ અંગે દિનેશ સિંધવ અને નવીન ધુવાની પૂછપરછ કરતા 12 વાળીમાં રહેતા ભાવેશ મોહનલાલ શાહએ યુવતીના નામે લોન લઇ લીધી હોવાનું બહાર આવ્યું. ભાવેશ શાહને મળતા તેણે 30-4-25 સુધીમાં તમામ હપ્તા ભરી લોન ક્લિયર કરાવી આપવા સોગંદનામું કરી આપ્યું હતું, પરંતુ ત્યારબાદ તેણે ન તો હપ્તા ભર્યા કે ન તો લોનની ભરપાઈ કરી. એટલું જ નહીં, તપાસમાં એ પણ બહાર આવ્યું કે આ શખ્સે અનિલ દેવરીયાના નામે પણ રૂ. 9.50 લાખની લોન મેળવી લીધી હતી.

Advertisements

આ ત્રણેય શખ્સોએ બેંકના મેનેજર ભૂપેન્દ્ર સામંત સાથે મળીને ફરિયાદીના નામે લોન મેળવી તેના હપ્તા ન ભરી, સિબિલ સ્કોર ખરાબ કરી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. આ પ્રકરણ અંગે પોલીસે બેંકના મેનેજર સહિત ચારેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment